મોરબીના બસસ્ટેન્ડ પાછળ શાળા કોલેજે જતી દીકરીઓને જોઈ જાહેરમાં પેન્ટ ઉતારી નાખી છેલ્લા ઘણા સમયથી બિભીત્સ ચેનચાળા કરી દિકરીઓને હેરાન કરી રહેલા વિકૃત માનસિકતા ધરાવતા શખ્સ વિરૂદ્ધ સોશિયલ મિડિયા અને સમાચાર પ્રસિદ્ધ થતા જ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અશ્વિન ચાવડા નામના કડીયાને ઉપાડી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના એજ્યુકેશન ઝોન ગણાતા બસસ્ટેન્ડ પાછળ કન્યા છાત્રાલય રોડ ઉપર સુપર માર્કેટ પાછળના ભાગે એક વિકૃત માનસિકતા ધરાવતો શખ્સ અવાર નવાર જ્યારે અહીંથી બહેનો દીકરીઓ પસાર થાય ત્યારે પોતાનું પેન્ટ કાઢી વિકૃત હરકત કરતો હોય એક વર્ષ પહેલા એક હિંમતવાન દીકરીએ મોરબી પોલીસને અરજી કરી હતી. જો કે, આમ છતાં પણ કોઈ એક્શન લેવામાં ન આવતા બહેનો – દીકરીઓની હેરાનગતિ આ ઢગાએ ચાલુ રાખતા કંટાળેલી એક હિંમતવાન દીકરીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમા ધારાસભ્યની કોમેન્ટ આવવી જોઈએ તેવી ટેગ લાઈન સાથે આ ઢગાની હરકત સાથેનો વીડિયો અપલોડ કર્યો હતો.
દરમિયાન મોરબીની હિંમતવાન દીકરી અંગેનો વીડિયો સોશિયલ મીડિયાના વાયરલ થતા સીટી એ ડિવિઝન પોલીસ હરકતમાં આવી હતી અને વીડિયોને આધારે તપાસ કરતા બહેનો દીકરીઓ સામે વિકૃત હરકત કરનાર શખ્સ શક્ત શનાળાના ગોકુલનગરમાં જોધાણીની વાડીમાં રહેતો અશ્વિન મૂળજી ચાવડા ઉ.35 હોવાનું સામે આવતા પોલીસે અશ્વિનને ઘેરથી ઉપાડી લીધો હતો. વધુમાં અશ્વિન કડીયાકામ કરતો હોવાનું તપાસમાં ખુલ્યું છે. હાલમાં બિભીત્સ હરકતો કરનાર અશ્વિન વિરુદ્ધ બીએનએસ કાયદા મુજબ ગુન્હો દાખલ કર્યો છે.
