મોરબીના ત્રાજપર ગામમાં દેશી દારૂની બદી વ્યાપક પ્રમાણમાં ફૂલી ફાલી છે ત્યારે મોરબી એલસીબી ટીમે ગઈકાલે બે અલગ અલગ દરોડામાં 410 લીટર દેશી દારૂ સહિત રૂપિયા 1.39 લાખનો મુદ્દામાલ કબ્જે કરી દેશી દારૂના મીની કારખાના ચલાવતા બે શખ્સને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમે ત્રાજપર વિસ્તારમાં બે અલગ અલગ દરોડા પાડયા હતા જેમાં પ્રથમ દરોડામાં અવાળા પાસે રહેતા આરોપી કિશન છગનભાઈ પનારા અને સવિતાબેન છગનભાઈ પનારાના રહેણાંકમાં દરોડો પાડતા 300 લીટર ગરમ આથો, 1500 લીટર ઠંડો આથો, 230 લીટર દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂપિયા 95,100નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી કિશનને પકડી પાડી કિશનના માતા સવિતાબેનને ફરાર દર્શાવ્યા હતા.
જ્યારે બીજા દરોડામાં ત્રાજપર ભરવાડ સમાજની વાડી નજીક આરોપી રમેશ ઉર્ફે ધારો ગોપાલભાઈ ટીડાણીના રહેણાંકમાં દરોડો પાડી પોલીસે 200 લીટર ઠંડો આથો અને 180 લીટર દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો સહિત કુલ રૂપિયા 44,700નો મુદ્દામાલ ઝડપી લઈ આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.