મોરબીમાં આજે ફરી મહાનગરપાલિકાએ વન વિક વન રોડ હેઠળ ડીમોલેશનનું શસ્ત્ર ઉગામ્યુ છે. જેમાં મહાનગરપાલિકાએ પોલીસ બંદોબસ્ત વચ્ચે શહેરના સામાકાંઠે દબાણ હટાવ ઝુંબેશ આદરી હતી અને સામાકાંઠે આવેલા મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચોકડી સુધીના એક કિમીના રસ્તામાં ખડકાયેલા દબાણો દૂર કરાયા હતા
મોરબી મહાનગરપાલિકા બનતાની સાથે મનપાના કમિશનર સ્વપ્નિલ ખરેએ રાજકોટની જેમ શહેરમાં રોડ ઉપર ખડકાયેલા દબાણો દૂર કરવા માટે વન વિક વન રોડ અંતર્ગત દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી છે. જેમાં દર બુધવારે મનપા ટીમ દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે.અત્યાર સુધીમાં શહેરના શનાળા રોડ, સ્ટેશન રોડ, વાવડી રોડ બાદ આજે બુધવારે ફરી મોરબીના સામાકાંઠે ખડકાયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચોકડી સુધીના એક કિમીના રસ્તામાં ખડકાયેલા દબાણોનો કડુસલો બોલાવવામા આવ્યો હતો અને આ દબાણો ઉપર મનપનું બુલડોઝર ફરી વળ્યું. હતું. જો કે 30 જેટલા દબાણકારોએ સ્વેચ્છાએ દબાણો હટાવી લીધા હતા.આ દબાણોમાં રેંકડી કેબીનો અને દુકાન બહાર રહેલા ઓટલા તેમજ અન્ય સામગ્રી દૂર કરવામાં આવી હતી અને હજુ પણ મનપા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ ચાલુ રાખી મોટાભાગના રોડને દબાણો મુક્ત કરાશે.



