વાંકાનેર શહેરમાં નવાપરા નાલા પાસે ચાલીને જતા યુવાનનો હાથ રીક્ષાના કાચમાં અડી જતા કાચ તૂટી ગયા બાદ કાચ નવો નખાવી દેવાની વાત કરતા બન્ને વચ્ચે સમાધાન થઈ જવા છતાં ત્રણ શખ્સોએ યુવાનને રસ્તામાં આંતરી માર મારી જાતિ પ્રત્યે અપમાનિત કરતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં એટ્રોસિટી એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના અમરસર ગામે રહેતા જીતેશભાઈ શામજીભાઈ ચાવડા ગત તા.26ના રોજ રાત્રીના સમયે નવાપરા નાલા પાસે ચાલીને જતા હતા ત્યારે સાગરભાઈની રીક્ષાના કાચમાં તેમનો હાથ અડી જતા કાચ તૂટી જતા જીતેશભાઈએ કાચ નવો નખાવી દેવાનું કહેતા બન્ને વચ્ચે સમાધાન થઈ ગયું હતું. બાદમાં આગળ જતાં આરોપી દશરથ મૈસુરભાઈ ગમારા, રમેશભાઈ પરબતભાઇ ગમારા અને કમલેશભાઈ ગાંડુભાઈ ગમારા રસ્તામાં મળતા અમારા ભરવાડની રિક્ષાનો કાચ કેમ તોડ્યો તેમ કહેતા જીતેશભાઈએ કહ્યું હતું કે, અમારે સમાધાન થઈ ગયું છે અને હું તેમને નવો કાચ નખાવી દેવાનો છું. આમ કહેવા છતાં આરોપીઓએ ઝઘડો કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવા ધમકી આપતા ત્રણેય વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.