મોરબી : મોરબીથી માળીયા મિયાણા તાલુકાના વવાણીયા ગામની સીમમાં મિત્રો સાથે શિકાર કરવા માટે ગયેલ મોરબીના યુવાનનું બંદૂકની ગોળી લાગી જતા મૃત્યુ થવાના કિસ્સામાં પહેલા બાઈક બાઈક સ્લીપ થતા ગોળી છૂટવાથી યુવાનનું મૃત્યુ થયાનું ખુલ્યા બાદ આ બનાવમાં શિકાર બાબતે માથાકૂટ થતા બે મિત્રોએ ઝઘડો કરી યુવાનને ગોળી ધરબી દીધી હોવાનો રહસ્યસ્ફોટ થયો છે, ચોંકાવનારી આ ઘટનામાં આરોપીઓ પોલીસની હાથવેંતમાં હોવાનું જાણવા મળે છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મહેન્દ્રપરા શેરી નંબર 10મા રહેતા ડિસ કેબલના ધંધાર્થી ગુલામહુસેન અબ્દુલભાઇ પીલુડિયા ઉ.62 નામના વૃધ્ધે માળીયા મિયાણા પોલીસ મથકમાં આરોપી અસલમ ગફુરભાઈ મોવર રહે.વાવડી રોડ અને જાવેદ ઉર્ફે જાવલો હાજીભાઈ જેડા રહે.માળીયા મિયાણા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગુલામહુસેનભાઈનો પુત્ર વસીમ તેના બન્ને મિત્રો સાથે તા.2ના રોજ વવાણીયા ગામની સીમમાં શિકાર કરવા ગયા હતા. વધુમાં ત્રણેય મિત્રો શિકાર કરવા ગયા ત્યારે આરોપી અસલમે બાવળની ઝાડીમાં છુપાવેલ બંદૂક કાઢી હતી અને શિકારની રાહમાં હતા ત્યારે શિકાર આવી જતા મૃતક વસીમને શિકાર કરવા બાબતે અસલમ અને જાવેદ ઉર્ફે જાવલા સાથે બોલાચાલી બાદ ઝઘડો થતા આરોપી જાવેદ ઉર્ફે જાવલાએ દેશી બંદૂકમાંથી વસીમ ઉપર ફાયરિંગ કરતા વસીમનું મૃત્યુ નીપજ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, તા.2ના રોજ રાત્રીના સમયે બનેલી આ ઘટનમાં પ્રથમ શિકાર કરવા જતાં સમયે બાઈક સ્લીપ થતા બંદૂકમાંથી ફાયરિંગ થઈ જતા વસીમ પીલુડિયાનું ગોળી વાગતા મૃત્યુ થયાનું ખુલ્યું હતું. જો કે પોલીસે સઘન તપાસ કરતા બનાવ હત્યાનો હોવાનું સામે આવતા શિકાર કરવા સાથે ગયેલા મિત્રોએ જ હત્યા કર્યાનું સામે આવતા બન્ને વિરુદ્ધ હત્યા અંગે ફરિયાદ નોંધાઇ છે. હાલમાં બન્ને આરોપીઓ પોલીસની હાથવેંતમાં હોવાના સંકેત મળી રહ્યા છે.