મોરબી : રાજ્યમાં મીઠું એટલે કે નમકના ઉત્પાદનમાં ટોચનું સ્થાન ધરાવતા દેવ સોલ્ટ ગ્રુપની માળીયા મિયાણા તાલુકામાં આવેલ જાયન્ટ સોલ્ટ ફેકટરી તેમજ જામનગર અને અમદાવાદ સહિતની ઓફિસો અને નિવાસ ઉપર ઇન્કમટેક્સ વિભાગે વહેલી સવારથી જ દરોડા પાડયા છે. ઇન્કમટેક્સની 25 થી વધારે ટીમો દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
મોરબી જિલ્લામાં નમક ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવતી મૂળ જામનગરના દેવ સોલ્ટ ગ્રુપ ઉપર ઇન્કમટેક્સ વિભાગે મોટા પાયે દરોડા પાડયા હોવાની વિગતો સામે આવી છે. વહેલી સવારથી ઇન્કમટેક્સ વિભાગે પાડેલા દરોડામાં માળીયા મિયાણા તાલુકાના હરિપર નજીક આવેલ મીઠાના અગર, સોલ્ટ ફેકટરી ઉપરાંત જામનગર અને અમદાવાદ ખાતે આવેલ દેવ સોલ્ટ ગ્રુપના નિવાસ અને ઓફિસોમાં પણ તપાસ ચાલી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આજે સવારથી શરૂ થયેલ ઇન્કમટેક્સની કાર્યવાહીમાં 25 જેટલી ટીમો દ્વારા માળીયા મિયાણાના હરિપર નજીક આવેલ સોલ્ટ ફેકટરી જવાના રસ્તા પણ બંધ કરી દઈ મોટા પ્રમાણમાં તપાસ કરવામાં આવી રહી છે