મોરબી : ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ભાડાના ગોડાઉનમાં વિદેશી દારૂ ઝડપી લેવાના ઉપરાછાપરી બનાવો બાદ સ્થાનિક પોલીસે મિલકતો ભાડે આપી પોલીસને જાણ નહિ કરનાર તેમજ પરપ્રાંતીય શ્રમિકોને કામે રાખી એસ્યોર મોરબી એપ્લિકેશનમા નોંધ નહિ કરાવનાર પાંચ આસામીઓ વિરુદ્ધ જાહેરનામાં ભંગ સબબ કાર્યવાહી કરી હતી.
મોરબી શહેર અને જિલ્લામાં જાહેરનામા ભંગ સબબ કરવામાં આવેલ કાર્યવાહીમાં સીટી બી ડિવિઝન પોલીસે વીસીપરા
વિસ્તારમાં બે અલગ અલગ ગોડાઉન ભાડે આપી પોલીસને જાણ નહિ કરવા મામલે ગોડાઉન માલિક હરગોવિંદભાઈ દયારામભાઈ ચૌહાણ તેમજ ઝાકીરભાઈ યુનુસભાઈ મોટલાણી વિરુદ્ધ જાહેરનામા ભંગ અંગે કાર્યવાહી કરી હતી.
જ્યારે મોરબી તાલુકા પોલીસે પરપ્રાંતીય શ્રમિકોને કામે રાખી એસ્યોર મોરબી એપમાં માહિતી નહિ આપવા બદલ બેલા રંગપર ગામની સીમમાં આવેલ રાધેશ્યામ ઈન્ડસ્ટ્રીઝના સંચાલક સંજય અંબારામભાઈ વસિયાણી અને રાજપર ગામની સીમમાં આવેલ ઈન્ડિયન લેન્ટ ફેકટરીમાં સંચાલક અજય ભાઈલાલભાઈ પુજારા રહે.મોરબી વાળા સામે જાહેરનામા ભંગ અંગે કાર્યવાહી કરી હતી. જ્યારે ટંકારા પોલીસે લજાઈ ભીમનાથ મહાદેવ મંદિર રોડ ઉપર આવેલ ગોડાઉનમાં સીસીટીવી કેમેરા ન લગાવ્યા હોય ગોડાઉન સંચાલક ધીરેન પ્રફુલભાઈ બુડાસણા વિરુદ્ધ જાહેરનામા ભંગ અંગે કાર્યવાહી કરી હતી.