મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલના સફાઈ કર્મીઓએ આજે વિવિધ માંગને લઈને અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરી છે. આ સફાઈ કર્મીઓએ કલેકટર કચેરીએ ધરણા યોજી પોતાના હક્કની માંગણી ઉઠાવી છે.
સફાઈ કર્મીઓના જણાવ્યા અનુસાર સિવિલ હોસ્પિટલના 121 જેટલા સફાઈ કર્મચારીઓને પગાર સ્લીપ, બોનસ અને હક્ક રજાઓ મળતી નથી. વર્ષ 2024થી તેઓ આ મામલે અનેક રજુઆત કરી ચુક્યા છે.પણ કોઈ પરિણામ મળ્યું નથી. એજન્સીવાળાને રજુઆત કરી તો તેઓ એવું કહે છે કે 5 જ સફાઈ કર્મચારીઓને આ લાભ આપીશું. પણ બધાને આ લાભ મળે તેવી માંગ છે. હવે સફાઈ કર્મચારીઓ જ્યાં સુધી માંગણી નહિ સંતોષાય ત્યાં સુધી હડતાલ જારી રાખશે અને દરરોજ કલેકટર કચેરીએ ધરણા ઉપર બેસશે. ત્યાં સુધી માત્ર પ્રવાહી જ લેશે અનાજનો ત્યાગ કરશે.
આ મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે ઘણા સમયથી સફાઈ કર્મચારીઓના પ્રશ્ને લેખિત અને મૌખિક સ્વરૂપે સિવિલ અધિક્ષક સાથે ચર્ચા કરી છે. સફાઈ કર્મચારીઓને તેમના હક્ક મળવા જોઈએ. તંત્ર અને કોન્ટ્રાકટરની આ મામલે ઉદાસીનતા છે. અમે સફાઈ કર્મચારીઓની સાથે જ્યાં જરૂર પડશે ત્યાં ઉભા રહીશું.
