મોરબી મહાપાલિકા દ્વારા વન વિક વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે નવલખી રોડનો વારો લેવામાં આવ્યો છે. આ રોડ ઉપર સવારથી મહાપાલિકાએ બે જેસીબીની મદદથી દબાણો હટાવવાનું શરૂ કરી દીધું છે.
મહાપાલિકા દ્વારા અગાઉ શનાળા રોડ, વાવડી રોડ, સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ પાસે તેમજ નટરાજ ફાટક પાસે દબાણો હટાવ્યા બાદ આજે વન વિક વન રોડ અંતર્ગત નવલખી રોડનો વારો લેવામાં આવ્યો છે. જેમાં કુબેરનગર પાસેથી દબાણ હટાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ રોડ 80 ફૂટનો હતો. જેમાં 40 ફૂટ સુધી દબાણો આવી જતા રોડ 40 ફૂટનો જ થઈ ગયો હતો. આ મામલે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્રિલ ખરેએ જણાવ્યું કે નવલખી રોડ ઉપર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. દોઢ કિમિ વિસ્તારમાંથી દબાણો હટાવવામાં આવશે. આ રોડ આરએન્ડબીનો છે. કોમર્શિયલ દબાણો તેમજ દીવાલ અને શેડ અત્યારે તોડવામાં આવી રહ્યા છે. જે રહેણાંક દબાણો છે તેને નોટિસ આપવામાં આવી છે જેમાં યોગ્ય જવાબ કે પુરાવા નહિ મળે તો તેને પણ તોડી પાડવામાં આવશે.


