ટંકારા તાલુકાના વિરપર ગામે ખેતમજૂરી કરતા દાહોદ જિલ્લાના વતની ખેત શ્રમિકને સ્કોર્પિયો કારમાં ધસી આવેલા બે શખ્સોએ ખેતીવાડી છોડી અહીંથી ચાલ્યા જવાનું કહી વાડીનો કબજો લેવા કોશિશ કરી હથિયાર બતાવતા ચાર દિવસ પૂર્વે બનેલા આ બનાવમાં ટંકારા પોલીસ મથકમાં એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો દાખલ થયો છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના વિરપર ગામે મોરબીના રાજીવભાઈ પટેલની વાડીએ રહી ખેતમજૂરી કરતા મૂળ દાહોદ જિલ્લાના વતની બળવંતભાઈ શનાભાઈ પસાયાએ ટંકારા પોલીસ મથકમાં આરોપી મેરુ રામજી ભૂંભરીયા રહે.વિરપર અને કિશોર ધનજી ટમારીયા રહે.ટંકારા
વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વધુમાં ફરિયાદમાં જણાવાયું હતું કે, ઉપરોક્ત બન્ને આરોપીઓ ગત તા.8ના રોજ બળવંતભાઈની વાડીમાં સ્કોર્પિયો લઈને ધસી આવ્યા હતા અને શર્ટ ઉંચો કરી હથિયાર બતાવી જાતિ પ્રત્યે આપમાનીત કરી અહીંથી ખેતીવાડી છોડી જતા રહેવાનું કહી વાડીનો કબજો લેવા કોશિશ કરી હતી. આ ઘટના અંગે ટંકારા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ એટ્રોસીટી એકટની કલમ સહિતની બીએનએસ કાયદાની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.