મોરબી : ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા ST/SC વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ વર્ષે બંધ કરવાના નિર્ણય વિરુદ્ધ અને સરકારી તથા અર્ધસરકારી લૉ કૉલેજોમાં પ્રવેશ પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી તે પુનઃચાલુ કરવાની માંગ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા ધારાસભ્ય કાંતિલાલભાઈ અમૃતિયાને આવેદન પાઠવવામાં આવ્યું છે.
આ આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત સરકારના આદિવાસી વિકાસ મંત્રાલય દ્વારા તા. 28-10-2024ના રોજ જાહેર થયેલા પરિપત્ર મુજબ વેકેન્ટ કવોટાને મેનેજમેન્ટ ક્વોટા તરીકે ગણી કોલેજોમાં પ્રવેશ મેળવી લેનાર ST/SC વિદ્યાર્થીઓની શિષ્યવૃતિ બંધ કરવામાં આવી છે. જેના કારણે ST/SC સમાજના ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓને નર્સિંગ, ફાર્મસી તેમજ અન્ય પેરામેડિકલ કોર્સ, ડીગ્રી-ડિપ્લોમા ઈજનેરી, એમ.બી.એ., એમ.સી.એ., એમ.ઈ.થી લઈને અન્ય ટેક્નિકલ, નોન ટેક્નિકલ પ્રોફેશનલ કોર્સમાં આર્થિક તંગીના કારણે પ્રવેશથી વંચિત રહે છે. શૈક્ષણિક વર્ષ 2024-25માં મોટી સંખ્યામાં ST/SC વિદ્યાર્થીઓએ મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ મેળવી લીધા બાદ આ પરિપત્ર થકી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ મળવા પાત્ર નહી રહે તે જાહેર કરવામાં આવેલ તેમજ 21-10-2024ના પરિપત્ર થકી NAAC (A/A+/A++)/ NBA માન્યતા ન ધરાવતી ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ યોજના હેઠળ પૂરેપૂરી શિષ્યવૃતિ રાજ્ય સરકાર દ્વારા ચુકવવામાં આવશે એવો ઠરાવ મંજુર કરવામાં આવ્યો છે. આમ ખાનગી અને સરકારી યુનિવર્સિટી સાથે સંકળાયેલ ખાનગી- અર્ધસરકારી કોલેજો માટે બેવડા ધારાધોરણોવાળું ભેદભાવ ભર્યું વલણ છે.
આ ઉપરાંત રાજ્યની 28 ગ્રાન્ટેડ લો કોલેજનો પ્રશ્ન પાછલા ઘણા વર્ષોથી પડતર છે, ચાલુ વર્ષે પણ ગ્રાન્ટેડ લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા ચાલુ થઈ નથી. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ પ્રમાણે ગ્રાન્ટેડ લો કોલેજોમાં પ્રાધ્યાપક ના હોવાના કારણે કાઉન્સિલ દ્વારા આ તમામ કોલેજોની માન્યતા રદ કરવામાં આવેલ છે. ત્યારે ગુજરાત સરકારના આદિજાતિ વિભાગ દ્વારા તા. 28-10-2024ના કરવામાં આવેલ પરિપત્રને શૈક્ષણિક વર્ષ 2024-25 માટે લાગુ ન કરવા, વેકેન્ટ/સરકારી ક્વોટામાં ખાલી રહેલી સીટોને મેનેજમેન્ટ ક્વોટાની સીટોમાં ફેરબદલી ન કરવા તેમજ વેકેન્ટ કવોટામાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ ક્વોટા તરીકે ન ગણી, ગત વર્ષોમાં ચાલતી પ્રવૃત્તિ માન્ય રાખવા તેમજ સરકાર દ્વારા રાજ્યની ગ્રાન્ટેડ લો કોલેજોમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારા-ધોરણો પ્રમાણે પ્રાધ્યાપકોની ભરતી કરવા, તમામ કોલેજોની ગ્રાન્ટમાં વધારો કરવા તથા ત્વરિત પણે પ્રશ્નોના નિરાકરણ સાથે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા માંગ કરવામાં આવી છે.
