વાંકાનેરના આરોગ્યનગર વિસ્તારમાં એક પ્રસંગમાં જમવા ગયેલા મિત્રો જમી રહ્યા હતા ત્યારે એક મિત્રએ દાળ લેવા માટે જવાનું કહેતા બીજા મિત્રએ દાળ લેવા જવાની ના પાડતા નજીવી બાબતે થયેલ બોલાચાલી બાદ મિત્રએ જ મિત્રને છાતીમાં છરીનો ઘા ઝીકી દેતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
ગત તા.18ના રોજ ફરિયાદી જયપાલસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા તેમના મિત્ર કિશન અને આરોપી કરણ હસુભાઈ લોધા એમ ત્રણેય જણા આરોગ્યનગરમા એક પ્રસંગમાં જમવા ગયા હતા. આ સમયે આરોપી કરણ હસુભાઈ લોધાએ ફરિયાદી જયપાલસિંહને પોતાના માટે દાળ લાવવા કહેતા જયપાલસિંહએ દાળ લાવવાની ના પાડી કહ્યું હતું કે, હું દાળ લેવા વાળો લાગુ છું ? જેથી બન્ને વચ્ચે બોલાચાલી થતા કિશન વચ્ચે પડતા ઝઘડો શાંત થયો હતો. બાદમાં ફરિયાદી જયપાલસિંહ કિશનના ઘેર બેસવા જતા ત્યાં આરોપી કરણે ફરી ઝઘડો કરી કહ્યું હતું કે તને બહુ હવા હોય તો આવી જા આરોગ્યનગરની ધાર ઉપર જેથી જયપાલસિંહ ધાર ઉપર જતા જ આરોપીએ પોતાની પાસે રહેલ છરી વડે છાતીમાં એક ઘા મારી દેતા ઇજાગ્રસ્ત જયપાલસિંહને પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.