મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીએ રક્તપિત્ત નાબુદી ઝુંબેશ અંગે સંદેશો પાઠવ્યો છે. તાજેતરમાં તારીખ ૩૦-૦૧-૨૦૨૫ થી ૧૩-૦૨-૨૦૨૫ સુધી મોરબી જિલ્લામાં રક્તપિત્ત નાબુદી ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે અન્વયે જિલ્લા કલેકટરએ જણાવ્યું છે કે મોરબી જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન અનુસાર વિકસિત ભારત અભિયાન અંતર્ગત મોરબી જિલ્લાને રક્તપિતથી મુક્ત કરવા માટે કોઈ કસર છોડવામાં આવશે નહીં. રકતપિત રોગને ઓળખવું સરળ છે. જેની સારવાર સરકારી દવાખાનામાં નિ:શુલ્ક રીતે ઉપલબ્ધ છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે મોરબી જિલ્લામાં રક્તપિતના નવા દર્દીઓને શોધવાની કામગીરી હાલમાં ચાલુ છે. તેઓને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવા માટેનું ભગીરથ કાર્ય આરંભવાનું છે. સમાજમાં રક્તપિતના દર્દીઓ સાથે કોઈપણ પ્રકારનો ભેદભાવ કરીશું નહીં. જેમાં વ્યક્તિગત રીતે અને સામુહિક રીતે પ્રયત્નો થાય તે જરૂરી છે. રાષ્ટ્રપિતા શ્રી મહાત્મા ગાંધીજીના રક્તપિત મુક્ત સમાજના સ્વપ્નને સાકાર કરવા માટે મોરબી વાસીઓના સાથ સહકારની આવશ્યકતા છે.