Friday, August 8, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiજીવદયા અને અભયદાન : પરોપકારી જીવનનો અનુભવ

જીવદયા અને અભયદાન : પરોપકારી જીવનનો અનુભવ

જીવદયા એટલે સર્વ પ્રાણીઓ પ્રત્યેની કરુણા અને પ્રત્યેની દયા, જ્યારે અભયદાનનો અર્થ છે સર્વ પ્રાણીઓ માટે ભયમુક્ત પરિસ્થિતિનું દાન કરવું. બંને સંકલ્પો હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિના મૂળમાં રહેલા છે જે માનવ જીવનને પવિત્ર અને પરમ શાંતિપૂર્ણ બનાવે છે. ભગવદગીતામાં, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, “સર્વભૂતહિતે રતાઃ”  જેનો અર્થ છે કે, ‘એક સચ્ચા યોગી અથવા ભક્ત એ છે જે સર્વ પ્રાણીઓના હિતમાં રહે.’ જીવનમાં સર્વ પ્રાણીઓ પ્રત્યે દયા અને કરુણા રાખવી એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વર્તમાન સમયમાં જીવદયા અને અભયદાનની પ્રકટ જરૂરિયાત ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની ગઈ છે. માનવજાતે વિકાસની દિશામાં અનેક પગલાં ભર્યા છે, પરંતુ સાથે સાથે પ્રકૃતિ અને પ્રાણીઓ સાથેનું તેનો સંવાદ તૂટતો જાય છે. જો આપણે પ્રકૃતિ અને પ્રાણીઓ પ્રત્યે માનવતા અને દયા રાખીએ તો તેનાથી માત્ર સંસ્કૃતિને જ નહીં, પણ આધ્યાત્મિક ઉન્નતિને હાંસલ કરી શકાય છે.

રોજબરોજનાં જીવનમાં જીવદયાના કેટલાક કાર્યો કરી શકાય છે જેમ કે પશુ, પંખીઓને પાણી અને ખોરાક આપવું, અનાથ પ્રાણીઓની સંભાળ લેવી, જો કોઈ પશુ, પક્ષી ઘાયલ થાય તો તેની સારવાર કરવી અને તે માટે યોગ્ય આશ્રયની વ્યવસ્થા કરવી. વૃક્ષારોપણ, જંગલોનાં સંરક્ષણ દ્વારા વન્યજીવનનું રક્ષણ કરવું. મહાત્મા ગાંધીજી કહેતા કે, “એક રાષ્ટ્રની મહાનતા અને તેની નૈતિક પ્રગતિનો આધાર તે દેશના લોકો પ્રાણીઓ સાથે કેવી રીતે વર્તે છે તેના પર છે.”

એવું કહેવાય છે કે ગાયને ઘાસ અથવા ચારો આપવાથી ગ્રહ પીડા દુર થાય છે, પંખીઓને દાણા અને પાણી આપવાથી રોજગાર સરસ ચાલે છે, કુતરા અને બિલાડી માટે ખોરાક રાખવાથી ઘરમાં આરોગ્ય અને સુખની વૃદ્ધિ થાય છે, કીડીને કિડીયારુ પુરવાથી દેવુ ઓછું થાય છે, માછલીને લોટની ગોળી નાખવાથી ગયેલી સમૃધ્ધિ પાછી મળે છે.

જીવદયા અને અભયદાન એ માત્ર અધ્યાત્મ નથી, પણ તે માનવજાતને પવિત્ર અને સુખમય બનાવવાનું એક અમૂલ્ય સાધન છે. આ સનાતન સંસ્કૃતિના મૌલિક સિદ્ધાંતો જીવનમાં અમલમાં મુકવામાં આવે તો, વિશ્વમાં શાંતિ, સમૃદ્ધિ અને સારું માનવ જીવન સર્જાય શકે. ધર્મના કામ માટે હાથ લંબાવશો તો તમારા હાથ કલ્પવૃક્ષ સમાન બનશે.

– ડૉ. ગિરીશ શાહ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments