મોરબી : મોરબીના ઘણા રોડ રસ્તાની હાલત ખરાબ છે. રોડ રસ્તા અત્યંત દયનિય હાલતમાં પ્રજાને પારાવાર પીડા થાય છે. શહેરના મુખ્યમાર્ગો ખરાબ હોવાથી અકસ્માતની પણ ભીતિ રહેલી હોય આ રોડ રસ્તાની હાલત સુધારવા સામાજિક કાર્યકરોએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે.
મોરબીના સામાજીક કાર્યકરો રાજુભાઇ દવે, જગદીશભાઈ બાભણીયા, ગિરીશભાઈ કોટેચા, દેવેશભાઈ રાણેવડીયાએ કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનરને રજુઆત કરી હતી કે, મોરબીના શાન સમાં દરબાર ગઢથી નહેરુ ગેઇટ ચોક સુધીનો રોડ ખરાબ હાલતમાં હોય હજારો લોકોને હાલાકી પડતી હોય અને હવે તો આ મુખ્ય રોડ ઉપર દબાણો પણ રહ્યા ન હોય તેથી હવે નવો નકોર રોડ બનશે ખરો ? ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા જાહેરમાં બોલ્યા હતા કે, આ રોડ ત્રણ મહિનામાં બની જશે પણ 3 મહિના વીતી જવા છતાં આ રોડ બન્યો નથી.હવે તહેવારોની સિઝન આવતી હોય ત્યારે શું આવા તગેવારો વચ્ચે પણ વેપારીઓના કામધંધા બંધ રહ્યા પછી જ રોડ નવો બનશે ? આ રોડ ખોદીને બનાવવા ભૂગર્ભ ગટરનો નિકાલ કરીને રોડ સારો બને એવી પ્રજાની માંગણી છે. તથા પોશ વિસ્તાર ગણાતા મોરબીનો રવાપર રોડ તાજેતરમાં જ નવો બન્યો હોવા છતાં તેમાં થિંગડા મારવા પડે છે. હવે તો મહાનગરપાલિકા બની તો પણ રોડ ટકશે એની કોઈ ગેરંટી જ નથી. તે ઉપરાંત ગાંધીચોક, સિવિલ હોસ્પિટલ રોડ, જડેશ્વર રોડ સુપર ટોકીઝ રોડ સહિતના રોડની હાલત ઘણી ખરાબ હોવાથી આ અંગે યોગ્ય કામગીરી કરવાની માંગ કરી છે.