દીકરાના લગ્ન હોય બીજી તરફ કામ પણ મળતું ન હોવાથી અંતિમ પગલું ભરી લીધું
હળવદ : હળવદ જીઆઇડીસી વિસ્તારમાં મીઠાનું કામ કરવા મધ્યપ્રદેશથી આવેલ યુવકે ગુરુવારે બપોરે જીઆઇડીસી સામેની વાડીના શેઢા પર લીમડાના વૃક્ષ સાથે લટકી જઈ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતક યુવાની લાશને પીએમ કર્યા બાદ આગળની તપાસ હાથ ધરી હતી.
મધ્યપ્રદેશ રાજ્યના ડીંડોર જિલ્લાના રહેવાસી સૌનુભાઈ ભદાભાઈ આદિવાસી બે દિવસ પહેલા જ હળવદ જીઆઇડીસીમાં મજૂરી કામ કરવા માટે આવ્યો હતો.જોકે મજૂરી કામ તેના વતનમાં પણ ચાલતું ન હોય અને અહીં હળવદ પણ ચાલતું ન હોય બીજી તરફ મૃતકના દીકરાના થોડા સમયમાં જ લગ્ન હોય જેથી આર્થિક ભીંસના કારણે સૌનુએ જીઆઇડીસી સામે આવેલ પરિશ્રમ નર્સરી પાસેની વાડીના શેઢા પર લીમડાના વૃક્ષ સાથે લટકી જઈ આપઘાત કરી લીધો હતો.
બીજી તરફ બનાવની જાણ હળવદ પોલીસને થતા શક્તિસિંહ ઝાલા સહિતના પોલીસ જવાનો ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને લીમડાના વૃક્ષથી નીચે ઉતારી પીએમ માટે હળવદ શહેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જઈ આગળની તપાસ હાથ ધરી હતી.