રફાળેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રીનો મેળો ભરાયો,
દરેક શિવાલયોમાં આરતી, પૂજન અર્ચન, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા
મોરબી : મોરબીમાં મહાશિવરાત્રિની ધર્મોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. મોરબી નજીક રફાળેશ્વર ખાતે આવેલા પૌરાણિક રફાળેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રીનો મેળો ભરાયો હતો, આ મંદિરે વહેલી સવારથી જ શિવભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું રફાળેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારે 4 વાગ્યાથી જ ભક્તો દર્શન માટે ઉમટી ભોળાનાથના દર્શન કર્યા હતા.
મહાશિવરાત્રિ નિમિત્તે રફાળેશ્વર મહાદેવ મંદિરે વહેલી સવારે 4 વાગ્યે આરતી કરવામાં આવી હતી. સાથે જ મહાપૂજા પણ કરાઈ હતી. સાંજે પણ મહાપૂજાનું આયોજન કરાયું છે. આ ઉપરાંત રાત્રે ચાર પ્રહરની આરતી કરવામાં આવી હતી. મહાશિવરાત્રિનો પર્વ હોય દુર દુરથી લોકો ભગવાન ભોળાનાથના દર્શન માટે આવ્યા હતા.રફાળેશ્વર મહાદેવ મંદિરની બાજુના ગ્રાઉન્ડમાં મહાશિવરાત્રિના મેળાનું પણ આયોજન કરાયું છે. જેમાં 20 જેટલી રાઈડ્સ રાખવામાં આવી છે. લોકો આ મેળાની પણ મજા માણી હતી. મહાશિવરાત્રિ નિમિત્તે મોરબીના અગ્નેશ્વર મહાદેવ, શોભેશ્વર મહાદેવ, જંગલેશ્વર મહાદેવ, કુબેરનાથ મહાદેવ, નિલકંઠ મહાદેવ, લજાઈ નજીક આવેલા ભીમનાથ મહાદેવ, તીથવા નજીક આવેલા ભંગેશ્વર મહાદેવ, સ્ટેશન રોડ પર આવેલા જડેશ્વર મહાદેવ, વાંકાનેર ખાતેના જડેશ્વર મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં સવારથી જ ભાવિક ભક્તોની ભીડ જામી હતી. લોકો ભાંગનો પ્રસાદ લઈ મહાદેવજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

