ઘરમાં દુકાન ચાલતી હોવાથી તુરંત સિલ મારી દેવાયું : કેટલા ઘર ભાડે અપાયા છે, કેટલા ખાલી પડ્યા છે તેનો સર્વે કરવા આદેશ
આવાસ યોજનાએ જતી વેળાએ લગે હાથ જેલ ચોક પાસે નડતરરૂપ 5 થી 6 લારીઓ હટાવાય
મોરબી : મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા આજે લીલાપર ખાતે આવેલ આવાસ યોજનાનું સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ વેળાએ એક ઘર સિલ કરવામાં આવ્યું હતું. સાથે સર્વે કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો.
મ્યુનિસિપલ કમિશનર સ્વપ્રિલ ખરે અને ડેપ્યુટી કમિશ્નર સંજય સોની દ્વારા આજે લીલાપર ખાતે આવેલ આવાસ યોજનાની વિઝિટ કરવામાં આવી હતી. અહીંના 400 જેટલા આવાસ આવેલા છે. જેમાંથી કેટલાક આવાસો ભાડે આપવામાં આવ્યા હોય તેમજ કેટલાક આવાસ ખાલી પડેલા હોય તે સહિતની તપાસ કરવા માટે કમિશ્નર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. આ તપાસ દરમ્યાન સર્વે કરી તેનો રિપોર્ટ કમિશ્નરને સોંપવાનો આદેશ અપાયો છે. જે બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉપરાંત અહીં એક ઘરમાં દુકાન ચાલતી હોવાથી તેને સિલ પણ મારવામાં આવી હતી.
આ દરમ્યાન રસ્તામાં રોડ પર કરવામાં આવેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેમાં જેલ ચોક પાસે આવેલી 5 થી 6 લારીઓ દૂર કરવામાં આવી હતી. તેમજ રોડ પર ગાયોને નીણ નાખવામાં આવે છે ત્યાં પણ ટ્રાફિક ન સર્જાય તે માટે નીણ હટાવી અન્ય જગ્યાએ નાખવા કમિશ્નર દ્વારા જણાવવામાં આવ્યું હતું.


