વાંકાનેરના અગાભી પીપળીયા ગામે ફરી બે દિપડા ત્રાટકતા ગ્રામજનોમાં ભયનો માહોલ છે. આજે રાત્રીના સમયે અહીં એક વાડામાં છ ફુટ ઉંચી ફેન્સીંગ ટપી બે દીપડા ત્રાટકી માલધારીની નજર સામે સાત ઘેટા પર હુમલો કર્યો હતો. જેમાંથી ત્રણથી વધુ ઘેંટાના મોત થયા છે.
વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામ ખાતે આવેલ કાનાભાઈ મેરાભાઈ ભરવાડ નામના માલધારીના વાડામાં ગત તા.12 ફેબ્રુઆરીના રોજ ત્રણ દીપડાઓએ ત્રાટકીને 20થી વધુ ઘેટાઓનું મરણ કરી મિજબાની માણી હતી. ત્યારબાદ આજે રાત્રીના 10 વાગ્યાના અરસામાં ફરી બે દીપડાઓએ આ જ વાડામાં છ ફુટ ઉંચી ફેન્સીંગ કુદીને ત્રાટક્યા હતા. માલધારીની નજર સામે સાત ઘેટાં પર હુમલો કર્યો હતો. જેમાં બેથી ત્રણ ઘેટાનું મારણ કરી મિજબાની માણી હતી. બીજી તરફ માલધારીએ હિંમત દાખવી બંને દિપડાનો સામનો કરતા વધુ ઘેટાઓનો બચાવ થયો હતો. આ મામલે આરએફઓએ જણાવ્યું કે તેઓને જાણ થતાં જ તુરંત ટિમ ઘટના સ્થળે દોડી ગઈ છે. અહીં પાંજરા મુકવામાં આવ્યા છે.
