મોરબી: 8 માર્ચને દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા પર ભાર આપવામાં આવ્યો છે. ત્યારે અત્યારે અનેક ક્ષેત્રમાં મહિલાઓ આજે આગળ છે. અને પુરૂષ સાથે ખંભેખભો મિલાવી ચાલી રહી છે. જે સાબિત કરે છે કે, મહિલાઓ પણ ધારે તે કરી શકે છે..
ત્યારે આજે મહિલા દિવસ નિમિતે મોરબી પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભૂમિકાબેન ભૂતની વાત કરવા જઈ રહ્યા છીએ. તેમણે અનેક ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરી છે. ભૂમિકાબેનનો જન્મ મોરબીના ચાંચાપર ગામે થયો હતો. દુર્લભજીભાઈ ભૂત એક ખેડૂત હોય ખેડૂત પરિવારમાં જન્મેલી દીકરી અન્ય દીકરીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની છે. ભૂમિકાબેન ભૂત નાનપણથી આર્મીમાં જવાનો શોખ હતો. પરંતુ આર્મીમાં જવાનું શક્ય ન બનતા તેમણે પોલીસમાં જોડાવા માટેની તૈયારી કરી. અને હાલ તેઓ છેલ્લા સાત વર્ષથી મોરબી પોલીસ વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે. પોલીસ વિભાગમાં તેમને સપોર્ટ મળતા તેમણે સ્પોર્ટ્સની શરૂઆત કરી અને ખેલમહાકુંભમાં 1500 મિટર રનિંગમાં ભાગ લીધો હતો. જીલ્લા અને ઝોન લેવલે ફર્સ્ટ અને રાજ્ય લેવલે રમવા માટે ગયા ત્યારે તેઓ પાછળ રહી જતા હારી ગયા હતા.

ભૂમિકાબેન ભૂતે જણાવ્યું હતું કે, રાજ્યલેવલની તે રનિંગ સ્પર્ધામાં હારી ગયા બાદ મને લાગી આવ્યું હતું. અને નિર્ણય કર્યો કે, હવે કોઈપણ સ્પર્ધામાં ભાગ લઈને પ્રથમ નંબર પ્રાપ્ત કરવો છે. બાદમાં તેમણે જૂનાગઢ ખાતે આયોજિત ગીરનાર આરોહણમાં ભાગ લઈ લગાતાર 8 વખત, 4 વખત રાજ્યલેવલે અને 4 વખત રાષ્ટ્રીય લેવલે પ્રથમ નંબર મેળવ્યો હતો. બાદમાં પોલીસ વિભાગ દ્વારા રમાતી પોલીસ ડીજીપી કપ, ઓલ ઇન્ડીયા એથ્લેટિક્સ, અનેક મેરેથોનમાં ભાગ લઈ પ્રથમ નંબર મેળવ્યો.

મોરબી જિલ્લા એસપી તરીકે ફરજ બજાવી ચુકેલા ડો.કરણરાજ વાઘેલાએ મને પ્રેરણા આપી
ભૂમિકાબેન ભૂતે જણાવ્યું હતું કે, એક પોલીસ અધિકારીની ફરજ નિભાવવાની સાથે સાથ અન્ય ક્ષેત્રમાં પણ પોતાનું યોગદાન આપ્યું, મોરબી જિલ્લા એસપી તરીકે અગાઉ ફરજ બજાવી ચુકેલા ડો.કરણરાજ વાઘેલાએ મને પ્રેરણા આપી અને સતત સહકાર આપીને પ્રોત્સાહિત કરી છે. તેમના લીધે જ હું ગિરનારથી માંડીને અનેક સ્પર્ધાઓ જીતવામાં સફળ રહી.

મોરબી જિલ્લા એસપી સુબોધ ઓડેદરાએ એવરેસ્ટ સર કરવા આપી સલાહ
મોરબી જિલ્લા એસપી તરીકે અગાઉ ફરજ બજાવી ચુકેલ સુબોધ ઓડેદરાએ ભૂમિકાબેન ભૂતને ખૂબ મહેનત કરતા હોવાથી એવરેસ્ટ સર કરવા વિચાર કરવા કહ્યું હતું. જે બાદ ભૂમિકાબેને એવરેસ્ટ માટે બેજીક ટ્રેનિંગ કરી, જીમ પ્રેક્ટિસ, ગ્રાઉન્ડ પ્રેક્ટિસ, યોગ-પ્રાણાયમના સેશન સહિતની તમામ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. અને બાદમાં વિશ્વનું 8 નંબરનું માઉન્ટ મનાસ્લુ ચઢાઈ કરી હતી. અને ત્યારબાદ તેમણે 2023માં માઉન્ટ એવરેસ્ટ 8,400 મિટર સુધી સર કર્યો હતો.
ભૂમિકાબેન ભૂતે જણાવ્યું હતું કે, મે એક નિષ્ફળતાથી શરૂઆત કરી હતી. ગિરનારથી લઈ હિમાલય સુધી હું પહોંચી. આ દરમિયાન મારૂ જીવન ખૂબ જ સંઘર્ષમય રહ્યું. આ દરમિયાન તમામ વસ્તુઓનું ખૂબ ધ્યાન રાખવું પડે. જેમાં ફિઝિકલ ફીટ રહેવા માટે ડાઈટ ફોલો કરવું પડે, કનટ્યું પ્રેક્ટિસ કરવી પડે, જે માટે મે જીમમાં 4 કલાક અને ગ્રાઉન્ડ ઉપર 4 કલાક પ્રેક્ટિસ કરેલી, યોગ અને પ્રાણાયામના સેશન કરેલા, 20 કિલો વજન ઉપાડી ગિરનાર પર પ્રેક્ટિસ કરી છે. આ રીતે મે બધી પ્રેક્ટિસ કરી હતી.

ભૂમિકાબેન ભૂતે માઉન્ટ એવરેસ્ટ પર 8,400 સુધીનું કપરું ચઢાણ પુર્ણ કર્યું
ભૂમિકાબેન ભૂતે જણાવ્યું હતું કે, હું માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે ગઈ ત્યારે હું પુર્વ તૈયારીમાં 8 કલાક પ્રેક્ટિસ કરતી હતી. મે મારા મનથી નક્કી કરેલ કે, હું એવરેસ્ટ ઉપર જઈશ ત્યાં હું 15-16 કલાક ટકી શકીશ. પણ જ્યારે હું ફાઈનલ એવરેસ્ટ સમિટ કરવા માટે ગઈ. ત્યારે હું ઓછા ઓક્સિજન, 60-70ની ઝડપે પવન ફૂંકાતો હતો, બે દિવસ ખાવા નહોતું મળ્યું, પીવાનું પાણી ઓછું હતું. માઇન્સ 45થી 60 ડીગ્રી તાપમાન હતું. એવા વાતાવરણ વચ્ચે પણ હું 26-27 કલાક સુધી ચાલી શકી. જોક હવામાન અતિ ખરાબ હોવાના કારણે સમિટ સુધી પહોંચવામાં સફળતા પ્રાપ્ત કરી શક્યા નહોતા. તેમજ તેમના ગ્રુપમાં રહેલ ચાર વ્યક્તિના મોત પણ થઈ ચુક્યા હતા જેથી ગાઈડ શેરપાએ પાછા વળી જવાની સલાહ આપી હતી અને 8,400 મીટર સુધી પહોંચી ભૂમિબેને અનોખો કીર્તિમાન સર્જ્યો છે. આ વાત પરથી હું એ કહેવા માંગું છું કે, આપણી અંદર ઘણી બધી તાકાત રહેલી છે બસ આપણે એને મનથી લિમિટ નક્કી કરીએ છીએ. એ લિમિટ દુર કરવાની જરૂર છે. એટલે માણસ જે વિચારે છે એનાથી એ 10 ગણું કરવાની તાકાત એની અંદર રહેલી છે. બસ એને ઓળખવાની જરૂર છે. અને આગળ વધવાની જરૂર છે.

ભૂમિકાબેન ભૂતે “હૈયું હામ અને હિમાલય” પુસ્તક લખ્યું…
મહિલા કોન્સ્ટેબલ ભૂમિકાબેન ભૂતે “હૈયું હામ અને હિમાલય” બુક અંગે તેમણે જણાવ્યું હતું કે, આ બુક એટલા માટે લખી જ્યારે હું રાજ્ય લેવલે રમવા જાતી ત્યારે ઘણા બધા એવા રમત-ગમત અધિકારી હતા. જે મને જોઈને ચકિત થય જતા કે મોરબીમાંથી કોઈ આવ્યું એમ..જ્યારે ગુજરાત બહાર હું રમવા જતી ત્યારે પણ ગુજરાતમાંથી આવ્યા એમ તેવું કહેતા..ઈ લોકોને અચરજ થાતી. કેમ કે ગુજરાતમાંથી સ્પોર્ટ્સ ક્ષેત્રે બહુ ઓછા લોકો આવતા. ત્યારે મને વિચાર આવ્યો હતો કે, કે હું સ્પોર્ટ્સ બાબતે હું કંઈક લખું. જેમાંથી આપણા ગુજરાતના યુવાનો કંઈક પ્રેરણા મેળવે. અને પોતાના જીવનમાં સાહસિક પ્રવૃત્તિઓમાં તે આગળ વધે. કેમકે આપણા જીવનમાં આપણે સફળ થયા હોય. પરંતું એ સફળતાનું સાચું મહત્ત્વ તો એ છે કે તમારી સફળતામાંથી કોઈક પ્રેરણા મેળવે. એજ આપણી સાચી સફળતા છે.

એટલે મેં “હૈયું હામ અને હિમાલય” પુસ્તક લખવાની ડો.સતિષ પટેલ અને સૂરત મીડિયાના સંપાદક ખ્યાતિબેન જોષીથી મને પ્રેરણા મળી. પુસ્તકમાં મે મારા ગિરનારના અનુભવો, પોલીસ વિભાગના અનુભવો, સ્પોર્ટ્સના અનુભવો અને વિશ્વનું 8 નંબરનું પહાડ માઉન્ટ મનાલ્સું સર કર્યુ તે બધા અનુભવો લખ્યા છે. અને આ પુસ્તકનું વિમોચન ગુજરાતની વિધાનસભામાં થયું હતું. અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પુસ્તક વિશે મંતવ્યો અને માર્ગદર્શન આપીને શુભેચ્છાઓ પાઠવી હતી. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય અને મોરબી પોલીસ દ્વારા પણ ભૂમિકાબેન ભૂતને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

મહિલા પોલીસ કોન્સ્ટેબલ ભુમિકાબેન ભૂતે 30 થી વધુ મેડલ મેળવ્યા
મહિલા કોન્સ્ટેબલ ભૂમિકાબેન ભૂતે અનેક વખત ગિરનારની આરોહણ અવરોહણની રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં તેઓએ પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ પણ મેળવ્યા છે. જેમાં તેઓએ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાથી સ્પોર્ટ્સની શરૂઆત કરી ગિરનારથી માંડી પોલીસ ડીજીપી કપ, ઓલ ઈન્ડિયા એથ્લેટીક્સ, ખેલ મહાકુંભ, મેરોથોન જેવી દોડ સ્પર્ધામાં 30થી વધુ મેડલો મેળવ્યા છે. જેમાં 27 ગોલ્ડ મેડલ, 2 સિલ્વર મેડલ, 1 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. જ્યારે અનેક પ્રમાણપત્રો અને શિલ્ડ મેળવી પરિવાર તથા પોલીસનું ગૌરવ વધાર્યું છે.

પુરૂષની સફળતા પાછળ સ્ત્રીનો હાથ હોય છે, પરંતુ મારી સફળતા પાછળ મારા મોરબી જિલ્લાનો હાથ છે: ભૂમિકાબેન
એક કહેવત છે કે, સફળ પુરૂષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, પરતું ભૂમિકાબેન ભૂતે જણાવ્યું હતું કે, મારી સફળતા પાછળ મારા મોરબી જિલ્લાનો હાથ છે. મોરબી સિરામિક એસોસિએશન, પોલીસ ડિપાર્ટમેન્ટ, પેપરમિલ એસોસિએશન તથા મારો પરિવાર સાથે મળીને ખૂબ સાથ અને સહકાર આપ્યો છે. કોઈના સાથ કે સહકાર વિના સિદ્ધિના સોપાન સર કરી શકાતા નથી. એ જ રીતે જીવનમાં પણ કોઈ ક્ષેત્રમાં સફળતાના શિખરો સર કરવા માટે સહકાર અને માર્ગદર્શનની પણ એટલી જ જરૂર પડે છે. વિશ્વના 8 નંબરનું પહાડ મનાસ્લુ તથા માઉન્ટ એવરેસ્ટ સર કરવા પાછળ મને આર્થિક રીતે સહયોગ કર્યો છે. આ માટે હું મોરબી જીલ્લાની આભારી છું. જીવનમાં હું આગળ વધીશ તો હમેશા તેમની રૂણી રહીશ.

મહિલાઓ માત્ર ગૃહિણી જ નહિં દરેક ક્ષેત્રમાં આગળ આવે: ભૂમિકાબેન ભૂત
8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની તમામ મહિલાઓને ભૂમિકાબેન ભૂતે શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, અમુક મહિલાઓને બિરદાવવામાં આવે છે, પરતું ઘરમાં ગૃહિણી તરીકે તેમની નોંધ લેવામાં નથી આવતી. ત્યારે આ દિવસે દરેક મહિલાઓને કહેવા માંગીશ કે, દરેક મહિલાઓએ પોતાના સ્વપ્ન પુરા કરવા માટે આગળ આવવું જોઈએ. માનસિકતા એવી છે કે મહિલાઓ કંઈ ના કરી શકે, એ માનસિકતા દુર કરી મહિલાઓએ દરેક ક્ષેત્રમાં આગળ આવી બીજામાંથી પ્રેરણા મેળવી ખૂદ પર વિશ્વાસ કરીને આગળ વધે.
✍️ જયેશ બોખાણી (પત્રકાર મોરબી)