ગૌરક્ષક ટીમેં પશુઓની તસ્કરીનું મોટું રેકર્ટ ઝડપી 8 શખ્સોને માળિયા પોલીસને હવાલે કર્યા
મોરબી : માળિયા મિયાણા નજીક 5 બોલેરોમાં ક્રૂરતાપૂર્વક લઈ જવાતા 19 પશુઓને ગૌસેવકોએ બચાવ્યા છે. આ પશુઓને ખાખરેચી પાંજરાપોળને સોંપવામાં આવ્યા છે. પકડાયેલા 8 શખ્સોને માળિયા પોલીસને હવાલે કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી ગૌરક્ષક ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે કચ્છમાંથી કતલના ઈરાદે પશુ ભરીને અલગ અલગ પાંચ બોલેરો પીક અપમાં મોટા પ્રમાણમાં પશુઓની તસ્કરી કરી અમદાવાદ કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. જેના આધારે મોરબી અને રાજકોટના ગૌરક્ષકો દ્વારા માળીયા મિયાણા આસપાસ વોચ ગોઠવવામાં આવી હતી. બાતમી મુજબ ત્યાંથી ગાડીઓ નીકળતા ઉભી રાખીને ચેક કરતા અંદર ક્રુરતાપૂર્વક 19 પશુઓને કોઈપણ પ્રકારના પાસ પરમિટ કે ઘાસચારાની વ્યવસ્થા વગર ટૂંકા દોરડાથી બાંધીને અમદાવાદ કતલના ઈરાદે લઈ જવાતા હોવાનું માલુમ પડ્યું હતું.
જેથી માળિયા પોલીસને બોલાવી કાયદેસર કાર્યવાહી કરી તમામ પશુઓને સુરક્ષિત બચાવીને ખાખરેચી પાંજરાપોળમાં મૂકવામાં આવેલ છે. તમામ 8 આરોપીને માળિયા પોલીસ સ્ટાફ દ્વારા અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ તમામ જીવોને બચાવવામાં મોરબી ગૌરક્ષક ટીમ, રાજકોટ ગૌરક્ષક ટીમ, ચોટીલા ગૌરક્ષક ટીમ તથા લીંબડી ગૌરક્ષક ટીમનો સહયોગ રહ્યો હતો.
માળીયા પોલીસ સ્ટેશન જઈને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને હિન્દુ યુવા વાહિની દ્વારા ફરિયાદી નોંધાવામા આવી છે. તેમ યાદીમાં જણાવાયું છે.
