મોરબી : મોરબીના પીપળી ગામે માનસધામ સોસાયટીમાં રહેતા યુવાન પાસેથી બાકી નીકળતા બાઈક રીપેરીંગના પૈસાની ઉઘરાણી કરી ગેરેજ સંચાલક અને તેના સાગરીતોએ હુમલો કરવાની સાથે જાતિ પ્રત્યે અપમાનિત કરી માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધાયો છે.
મોરબી તાલુકાના પીપળી ગામે આવેલ માનસધામ સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ દેવશીભાઈ ટુડિયા ઉ.41 નામના યુવાને પાવડીયારી કેનાલ નજીક આવેલ બજરંગ ગેરેજમાં પોતાનું બાઈક રીપેર કરાવતા બાઈક રિપેરીંગના રૂપિયા 10 હજાર થયા હતા. બાદમાં ફરિયાદી પ્રવીણભાઈએ 3000 રૂપિયા ચૂકવી 7000 રૂપિયા સગવડતાએ આપવાનું કહેવા છતાં આરોપી લાલભાઈ મેવાડા, રાકેશ આહીર અને રાજકુમાર નામના ત્રણ શખ્સોએ અવારનવાર નાણાંની ઉઘરાણી કરી ગત તા.16ના રોજ પ્રવિણભાઇના ઘરે આવી ઉઘરાણી કરી હતી. જેથી પ્રવિણભાઇએ બે દિવસમાં બાકીના પૈસા ચૂકવી દેવા કહેવા છતાં આરોપીઓએ એક સંપ કરી ઢીકા પાટુનો માર મારી હાથના પહેરેલ કડું ફટકારી જાનથી મારી નાખવા ધમકી આપી જાતિ પ્રત્યે હડધૂત કરતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.