મોરબી : સાથે ભણતા હોવાથી મિત્ર બનેલા મોરબીના વ્યાજખોરે રાજકોટના એક્સપોર્ટ – ઈમ્પોર્ટના ધંધાર્થીને પોતે તેમજ અન્ય વ્યાજખોર પાસેથી કુલ 10 લાખ મહિને 30 ટકા વ્યાજે આપ્યા બાદ 25 લાખથી વધુ રકમ વસુલ કરવા વધુ નાણા ખંખેરવા ધાકધમકી ચાલુ રાખતા અંતે મોરબીના બન્ને વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે
રાજકોટના યુનિવર્સીટી રોડ ઉપર નંદભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા ઈમ્પોર્ટ – એક્સપોર્ટના ધંધાર્થી વિકાસ ધરમશીભાઈ સાદરિયા ઉ.29 નામના યુવાને મોરબીના રવાપર રોડ ઉપર રહેતા સુનિલ પ્રેમજીભાઈ દલસાણીયા અને વિપુલ સવસેટા નામના બે વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, એકાદ વર્ષ પૂર્વે ધંધા માટે નાણાંની જરૂર પડતા આરોપી સુનિલ સાથે મિત્રતા હોય વિકાસભાઈએ રૂપિયા 5 લાખ દૈનિક 5 હજાર વ્યાજ લેખે લીધા હતા. બાદમાં વધુ નાણાંની જરૂર પડતા સુનિલ મારફતે વિપુલ સવસેટા પાસેથી પણ એક લાખના દૈનિક એક હજાર લેખે 5 લાખ વ્યાજે લઈ ગૂગલ પે, નેટ બેન્કિંગ અને આંગળીયુ કરી બન્ને આરોપીઓને કુલ 25,13,500 ચૂકવી દીધા હતા. જો કે, કોરા ચેક મેળવી લેનાર બન્ને આરોપીઓએ ધાક ધમકી આપી વ્યાજ મુદલ મેળવી લીધા બાદ પણ ઉઘરાણી ચાલુ રાખી ફોનમાં ગાળો આપી ધમકીઓ આપતા અંતે વિકાસભાઈએ બન્ને આરોપીઓ વિરુદ્ધ નાણાં ધીરધારની કલમો મુજબ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો.