મોરબીમાં ત્રાજપર ચોકડી નજીક ગુરૂકૃપા હોટેલ પાસે નેશનલ હાઇવે ઉપર રાત્રીના સમયે એક કેમિકલ ભરેલું ટેન્કર પલ્ટી મારતા સર્વિસ રોડ ઉપર કેમિકલની રેલમછેલ થઈ હતી. આ કેમિકલની તીવ્ર દુર્ગંધ ફેલાતા મહારાણા પ્રતાપ સોસાયટી અને સિદ્ધાર્થ સોસાયટીમાંથી 85 જેટલા પરિવારો પોતાના સગા-સંબંધીઓને ત્યાં ચાલ્યા ગયા હોવાનું જાણવા મળ્યું છે.
એક ટ્રકે ટેન્કરને પલ્ટી મારતા ટેન્કર હાઇવે ઉપરથી નીચે ઉતરી સર્વિસ રોફ ઉપર પલ્ટી મારી ગયું હતું. ટેન્કર પલ્ટી મારતા સર્વિસ રોડ ઉપર આ કેમિકલ ઢોળાયું છે. આ કેમિકલ હાઇડ્રો ક્લોરિક એસિડ (HCI) એસિડ હોવાનું જાણવા મળ્યું છે. આ એસિડ ટોયલેટ સાફ કરવા માટે વપરાય છે. ઇન્દ્રસ્ટ્રીયલ સેફટી ડિપાર્ટમેન્ટ, ડે. મ્યુનિસિપલ કમિશ્નર કુલદીપસિંહ વાળા, ફાયર બ્રિગેડ, નેશનલ હાઇવે ઓથોરિટી, પોલીસ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્રણ ફાયર ફાયટર દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. હાઇવે ઓથોરીટીનું પાણીનું ટેન્કર આજે ઘટના સ્થળે આવ્યું હતું. પરંતુ સોસાયટીમાં પહોંચતા જ બંધ થઈ જતા લોકોએ એસિડવાળા પાણીમાં ટેન્કરને ધક્કા મારીને ચાલુ કરવું પડ્યું હતું.