હળવદ : હળવદ નગરપાલિકા દ્વારા પ્રથમ સામાન્ય સભામાં હળવદ શહેરને છોટાકાશી તરીકે જાહેર કરતા ઠરાવને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે. ભાજપ શાસિત હળવદ નગરપાલિકામાં પ્રમુખ તથા ચૂંટાયેલ તમામ પ્રતિનિધિઓ દ્વારા હળવદ શહેરને સર્વાનુમતે “છોટાકાશી” તરીકે ઠરાવવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હળવદ એ વર્ષોથી “છોટાકાશી ” તરીકે જગવિખ્યાત છે. હળવદની ચારેય દિશામાં ભગવાન ભોળાનાથના સ્વયંભૂ ઐતિહાસિક વિરાસત ધરાવતા મંદિરો બિરાજમાન છે અને હળવદ એ સતી, સુરાની ભૂમિ તરીકે પણ પ્રખ્યાત છે. હળવદમાં અઢારેય વર્ણના સતી સુરાના પાળિયા હૈયાત છે. હળવદમાં જાહેરમાં માંસાહારનું પણ વેચાણ થતું નથી. ત્યારે આ પવિત્ર ઐતિહાસિક તપોભૂમિ જે છોટાકાશી તરીકે જગ વિખ્યાત છે તેને હળવદ નગરપાલિકા દ્વારા મળેલી સામાન્ય સભામાં પ્રમુખ ફોરમબેન વિશાલભાઈ રાવલ સહિત સર્વે પદાધિકારીઓ દ્વારા સર્વાનુમતે છોટાકાશી તરીકેનો ઠરાવ પસાર કરવામાં આવતા હળવદ વાસીઓમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. આ તકે હળવદ શહેરના વિવિધ વિકાસલક્ષી કાર્યો અને જન સુખાકારી માટે અનેક કાર્યોને પણ આ સામાન્ય સભામાં સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી.
