મોરબી શહેરમાં ભાડે આપવામાં આવેલી દુકાનના એક કિસ્સામાં મોરબી સિવિલ કોર્ટ દ્વારા મહત્વનો કહી શકાય તેવો સીમાચિહ્નરૂપ ચુકાદો આપી ભાડા ચીઠ્ઠીની શરતનો ભંગ કરનાર ભાડુઆતને મિલ્કત ખાલી કરી માલિકને દુકાનનો કબજો સોંપવાનો હુકમ કર્યો હતો.
મોરબી શહેરમાં, સરદાર રોડ ઉપર મુર્તુઝાભાઈ મુસ્તફાભાઈ લોખંડવાલા અને હુસેનભાઈ મુસ્તફાભાઈ લોખંડવાલાની સંયુક્ત માલીકીની દુકાનો આવેલ છે. જે દુકાનો પૈકી એક દુકાન ભાડુઆત જયેશભાઈ પ્રભુદાસભાઈ મુલીયાએ તેમના પિતા વખતથી ભાડે રાખેલ હતી. જો કે, ભાડાવાળી દુકાન માત્રને માત્ર સાઈકલો ભાડે આપવા બેસવા ધંધો કરવાના હેતુથી ભાડે આપેલ અને આ દુકાનમાં દુકાનમાલિકની લેખિત પરવાનગી લીધા વિના કોઈપણ ધંધો કરવાનો નથી તેવી શરત ભાડાચિઠ્ઠીમાં લખવામાં આવેલ હતી.
પરંતુ ભાડુઆત જયેશભાઈ પ્રભુદાસભાઈ મુલીયાએ દુકાનમાલીકની પૂર્વ લેખિત પરવાનગી મેળવ્યા વિના ભાડાવાળી દુકાનમાં સી.ડી. અને ડી.વી.ડી. વેચવાનો ધંધો કરેલ અને ત્યારબાદ ચા-પાણી વગેરેનું વેચાણ કરવાનો ધંધો કરી ભાડાચિઠ્ઠીની શરતનો ભંગ કરતા, દુકાન માલિક મુર્તુઝાભાઈ મુસ્તફાભાઈ લોખંડવાલા અને હુસેનભાઈ મુસ્તફાભાઈ લોખંડવાલાએ તેમના વકીલ નવલચંદભાઈ ગોવિંદજીભાઈ કારીઆ અને ચિરાગ દુષ્યંતભાઈ કારીઆ મારફતે મોરબીની દિવાની અદાલતમાં ભાડાવાળી દુકાનનો ખાલી કબજો મેળવવા દાવો કરતા આ કેસમાં મોરબીના એડિશ્નલ સીવીલ જજની કોર્ટમાં ચાલી જતા અદાલતે મુર્તુઝાભાઈ મુસ્તફાભાઈ લોખંડવાલા અને હુસેનભાઈ મુસ્તફાભાઈ લોખંડવાલાનો દાવો મંજુર કરી, ભાડુઆત જયેશભાઈ પ્રભુદાસભાઈ મુલીયાને ભાડાવાળી દુકાન ખાલી કરી તેનો કબજો 60 દિવસમા સોંપી આપવા સીમાચિહ્નરૂપ ચુકાદો આપેલ હતો.