મોરબી : મોરબીના નવા સોખડા ગામે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન હોદાનો દુરુપયોગ કરી ગ્રામજનોને હેરાન કરતા હોય તેમના જ સગા મોટાભાઈને આ બાબત પસંદ ન હોય તેમની રીતિ નીતિનો વિરોધ કરતા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અને તેમના બે પુત્રોએ બઘડાટી બોલાવી મોટાભાઈ તેમજ તેમના પુત્રોને ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
આ બનાવ અંગે નવા સોખડા ગામે રહેતા ચેતનભાઈ નથુભાઈ મકવાણા ઉ.28 નામના યુવાને તેમના સગા કાકા એવા સોખડા ગામના ન્યાય સમિતિના ચેરમેન રમેશભાઈ ખીમાભાઈ મકવાણા, તેમનો પુત્ર પ્રકાશ અને વસંત ઉર્ફે કિશન વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, તેમના કાકા રમેશભાઈ ગામના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન હોવાને નાતે હોદાનો દુરુપયોગ કરી ગ્રામજનોને હેરાન કરતા હોવાથી ફરિયાદી ચેતનભાઈના પિતા નથુભાઈ રમેશભાઈનો વિરોધ કરતા હતા.
વધુમાં આરોપી રમેશભાઈને પોતાના જ મોટાભાઈ વિરોધ કરતા હોવાથી આ બાબત પસંદ ન પડતા ગત તા.3ના રોજ રાત્રીના સમયે ચેતનભાઈના ઘરે આવ્યા હતા અને ઝઘડો કરી ફરિયાદી ચેતનભાઇ તેમજ તેમના પિતા અને અન્ય ભાઈઓને આરોપી રમેશભાઈ તેમજ તેમના પુત્ર પ્રકાશ અને વસંતે ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે હાલમાં તાલુકા પોલીસે ચેતનભાઈ મકવાણાની ફરિયાદને આધારે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અને તેમના બન્ને પુત્રો વિરુદ્ધ ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે