મોરબી : ભારત વિકાસ પરિષદ-મોરબી શાખા દ્વારા તારીખ 5 એપ્રિલ ને શનિવારનાં રોજ વાર્ષિક સાધારણ સભા, નવા પદાધિકારીઓનો પદગ્રહણ સમારોહ અને પારિવારિક સ્નેહમિલનનું આયોજન મોરબીના ઈડન હિલ્સ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે મોરબી સિરામિક એસોસિએશનના વોલ ટાઈલ્સ ડિવિઝનનાં પ્રમુખ હરેશભાઈ બોપલિયા તથા RSS રાજકોટ વિભાગ ધર્મ જાગરણના સહસંયોજક જસ્મિનભાઈ હિંસુ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત કોમલબેન પનારા દ્વારા વંદે માતરમનું સામૂહિક ગાન કરાવી કરાવામાં આવી હતી. અધ્યક્ષ ડો.જયેશભાઈ પનારાએ પોતાના કાર્યકાળનો પ્રતિભાવ રજૂ કર્યો હતો. સચિવ હિંમતભાઈ મારવણિયાએ ગત વર્ષ દરમિયાન થયેલ દરેક કાર્યક્રમની જાણકારી આપી હતી અને કોષાધ્યક્ષ ચિરાગભાઈ હોથી દ્વારા ગત વર્ષનાં હિસાબો રજૂ કરવામાં આવ્યાં હતા. ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતનાં કોષાધ્યક્ષ ડો. જયેશભાઈ પનારા દ્વારા વર્ષ 2025-26 નાં નવાં પદાધિકારીઓની ઘોષણા કરી અને શપથવિધિ કરાવામાં આવી હતી જેમાં હિંમતભાઈ મારવણિયાને અધ્યક્ષ, ધ્રુમિલભાઈ આડેસરાને સચિવ અને હિરેનભાઈ ધોરિયાણીને કોષાધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા હતા. આ ઉપરાંત પણ દરેક પ્રકલ્પો માટે સંયોજક અને સહસંયોજક નિમવામાં આવ્યા હતા. દરેક સભ્યો અને પરિવારજનો દ્વારા નવા પદાધિકારીઓને અભિનંદન પાઠવવામાં આવ્યાં હતા. હિંમતભાઈ મારવણિયા દ્વારા પ્રમુખ તરીકે નિમણૂક થયાં બાદનાં પ્રતિભાવ રજૂ કરવામાં આવ્યા અને ધ્રુમિલભાઈ આડેસરા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. સામૂહિક રાષ્ટ્રગાન કરી બધા સાથે ભોજન કરી છૂટા પડ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન દિલીપભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનાં સફળ આયોજન માટે કૌશિકભાઈ અઘારા અને અન્ય કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.

