મોરબી : લાઇમ સ્ટોન, ફાયર ક્લે, ચાઈના ક્લે, સેન્ડ સ્ટોન અને રેતી સહિતની કુદરતી ખનીજ સંપદાથી ભરપૂર મોરબી જિલ્લામાં ખાણખનીજ વિભાગના પૂરતા મહેકમને અભાવે ખનીજ માફિયાઓને ચાંદી-ચાંદી થઇ પડી છે ત્યારે રાજકીય દબાણો વચ્ચે પણ ખાણખનીજ વિભાગ ખનીજચોરી પકડવા માટે દોડધામ કરે છે. જો કે ગતવર્ષની તુલનાએ આ વર્ષે મોરબી જિલ્લામાં ખનીજ ચોરીના કેસ વધુ થયા છે પરંતુ ગતવર્ષની તુલનાએ દંડની વસુલાત ઘટી હોવાનું સામે આવ્યું છે.
મોરબી જિલ્લામાં વાંકાનેર, મોરબી અને હળવદ પંથકમાં વ્યાપક પ્રમાણમાં ખનીજ ચોરી થાય છે અહીં ધરતીના પેટાળમાં સાદી અને ભોગાવો પ્રકારની ઉચ્ચ ગુણવત્તાવાળી રેતીની રેતમાફિયાઓ બેફામપણે ચોરી કરી રાજકોટ, જામનગર સહિતના જિલ્લામાં ઠાલવી રહ્યા છે. એ જ રીતે વાંકાનેર તાલુકામાં લાઇમ સ્ટોન, સેન્ડસ્ટોન, ફાયર ક્લે અને ચાઈના ક્લેનો વીશાળ જથ્થો ધરતીના પેટાળમાં ધરબાયેલો હોય ખનીજ માફિયાઓને અહીં ખનીજ ચોરીની ધીકતી આવક છે. એ જ રીતે માળીયા અને ટંકારા તાલુકામાં પણ ખનીજ ચોરીનું પ્રમાણ ખુબ ઉંચુ હોય ખાણખનીજ વિભાગે વર્ષ 2024-25માં જિલ્લામાં કુલ મળી 252 કેસ કરી 5.59 કરોડ રૂપિયા દંડ વસુલ કરી બે કિસ્સામાં કોર્ટ કેસ અને એક ફોજદારી ફરિયાદ નોંધાવી હતી.
જો કે, વર્ષ 2023-24માં મોરબી જિલ્લામાં ખાણખનીજ વિભાગે કુલ મળી 223 કેસ કરી ખનીજચોરીના કિસ્સા ઝડપી લઈ કુલ રૂપિયા 6.14 કરોડ રૂપિયાથી વધુની વસુલાત કરી હતી.ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લામાં ખાણખનીજ વિભાગની હિલચાલ ઉપર બાજનજર રાખવા ખનીજ માફિયાઓએ ખાસ બ્રિગેડ બનાવી છે જે જિલ્લા સેવાસદનમાં જ પડી પાથરી રહેવાની સાથે જ્યાં-જ્યાં ખનિજ વિભાગની ટિમ મુવમેન્ટ કરે તે તમામ સ્થળે સતત પીછો કરી ખાણખનીજ વિભાગની રજે-રજની વિગતો વોટ્સએપ ગ્રુપ મારફતે ખનીજચોરી કરતા તત્વો સુધી ઓડિયો મેસેજ રૂપે પહોંચાડે છે, જેને પરિણામે અનેક ઝુંબેશ નિષ્ફળ નીવડતી હોવાનું અને રેઇડ સમયે ખનીજચોરી વાહનોમાં ભરેલ ખનીજ-માટી રોડ ઉપર ઠાલવી નાસી જતા હોવાના પણ બનાવો સતત બની રહ્યા છે.