ધંધો બરાબર ચાલતો ન હોવાથી ત્રણ શખ્સોએ એક ગોલાવાળા ઉપર ખાર ઉતાર્યો
મોરબી : મોરબીના મહેન્દ્ર ડ્રાઈવ રોડ ઉપર આવેલ પ્રખ્યાત જસુભાઈ ગોલાવાળા નામના વેપારી ઉપર બાજુમા જ દુકાન ધરાવતા મોમાઈ આઈસ ડિશના ત્રણ સંચાલકોએ ધંધા ખારમાં હુમલો કરી જસુભાઈ ગોલા નામની દુકાનના સંચાલક ભાઈ બહેનને ખુરશી માથામાં ફટકારી હવે દુકાન ખોલશો તો જાનથી મારી નાંખશું તેવી ધમકી આપતા ત્રણેય વિરુદ્ધ ગુન્હો દાખલ થયો છે.
મોરબીના મહેન્દ્ર ડ્રાઇવ રોડ ઉપર જસુભાઈ ગોળાવાળા નામની દુકાન ચલાવતા અને રવાપર ઘુનડા રોડ ઉપર શિવમ પેલેસ ફ્લેટના રહેતા ચંદ્રિકાબેન પ્રભુલાલ પંડ્યા ઉ.50 નામના મહિલાએ આરોપી કિશન ભરત ભરવાડ, નિલેશ ભરત ભરવાડ અને બાબુ ભરવાડ રહે. મોચી ચોક મોરબી વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.6ના રોજ રાત્રીના તેઓ પોતાની જસુભાઈ ગોલા નામની દુકાને હાજર હતા ત્યારે બાજુમાં આવેલ આરોપીઓની મોમાઈ ડીશ ગોલા નામની દુકાનેથી ગ્રાહકો તેમને ત્યાં આવી ઓર્ડર આપતા આરોપીઓને સારું લાગ્યું ન હતું. વધુમાં ચંદ્રિકાબેને જણાવ્યું હતું કે, તેઓનો ગોલાનો ધંધો સારો ચાલતો હોવાથી આરોપીઓને ગમતું ન હોવાની સાથે ગ્રાહકો તેમને ત્યાંથી અમારે ત્યાં આવતા આરોપી કિશન, બાબુ અને નિલેશ ઝઘડો કરવા આવ્યા હતા અને ચંદ્રિકાબેનના ભાઈ પ્રફુલભાઈને મારી લેતા ચંદ્રિકાબેન વચ્ચે છોડાવવા જતા આરોપીઓએ ચંદ્રિકાબેનને માથામાં ખુરશી ફટકારી માથું ફોડી નાખ્યું હતું. સાથે જ ત્રણેય આરોપીઓએ હવે દુકાન ખોલશો તો જાનથી મારી નાંખશું તેવી ધમકી આપતા બનાવ મામલે ચંદ્રિકાબેને સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

