હળવદ : હળવદ શહેરમાં કુંભાર દરવાજા વિસ્તારમાં સસરાના ઘરે આવેલા ધ્રાંગધ્રાના વતની યુવાન ઉપર હળવદના પાંચ શખ્સોએ અગાઉ સગાઈના પ્રસંગમાં થયેલ ઝઘડાનો ખાર રાખી હુમલો કરતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ધ્રાંગધ્રા શહેરના ફુલગલી વિસ્તારમાં રહેતા ગુલમામદભાઈ ઇબ્રાહિમભાઈ મકરાણી ઉ.46એ હળવદ રહેતા આરોપી આરીફ ગુલાબભાઈ ભટ્ટી, સીરાજ અબુભાઈ ભટ્ટી, ઇમરાન ગુલાબભાઈ ભટ્ટી, રિયાઝ સલીમભાઈ ભટ્ટી અને મુસ્તાક સલીમભાઈ ભટ્ટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમના પુત્ર હિદાયતની સગાઈ હળવદ ખાતે કરી હોય મંગેતર સુહાનાને લઈ દસાડા સગાઈના પ્રસંગમાં ગયા બાદ પુત્રની મંગેતરને મુકવા માટે હળવદ આવ્યા હતા.
દરમિયાન તા.7ના રોજ રાત્રીના ફરિયાદી ગુલમામદભાઈનો પુત્ર હિદાયત સસરાના ઘર પાસે બહાર નીકળતા આરોપીઓએ દસાડા ખાતે સગાઈના પ્રસંગમાં થયેલ બોલાચાલી ઝઘડાનો ખાર રાખી સમાધાન થયું હોવા છતાં હિદાયત સાથે ઝઘડો કરી પાઇપ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પાંચેય આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.