ગુજરાત ભાજપ પ્રદેશ દ્વારા ભાજપના સ્થાપના દિન ૦૬ એપ્રિલ ૧૯૮૦ અંતર્ગત ગુજરાતની પ્રત્યેક વિધાનસભા વિસ્તારમાં સક્રિય સદસ્ય સંમેલનો યોજીને જનસંઘથી ભાજપ સુધીની ઐતિહાસિક ઘટનાઓને સક્રિય સદસ્યો પ્રજા સમક્ષ મૂકી શકે તે હેતુસર યોજાઈ રહેલા સંમેલનો અંતર્ગત મોરબીના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રીશ્રી બ્રિજેશ મેરજાને રાજકોટની દક્ષિણ વિધાનસભા અને ગ્રામ્ય વિધાનસભામાં મુખ્ય વક્તા તરીકે જવાબદારી સોંપવામાં આવેલી. તેના અનુસંધાને આ બંને વિધાનસભામાં સક્રિય સદસ્યોને જનસંઘ, તે વખતની રાજકીય સ્થિતિ, ભાજપની સ્થાપના અને કેન્દ્ર અને ગુજરાતમાં ભાજપની સરકારો દ્વારા પ્રસ્થાપિત થયેલા કીર્તિમાનો અંગે ઝીણવટ ભરી વિગતોથી મુખ્ય વક્તા તરીકે બ્રિજેશ મેરજાએ ચાવીરૂપ પ્રવચન આપીને ઝીણવટ ભરી બાબતોને આવરી લઈને સક્રિય કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા હતા.
રાજકોટની આ બંને વિધાનસભાના સક્રિય સંમેલનમાં રાજકોટ મહાનગર ભાજપ અધ્યક્ષ, ધારાસભ્યશ્રીઓ, સાંસદ સભ્યશ્રીઓ, મેયરશ્રી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સહિતના પ્રથમ હરોળના મુખ્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ ગ્રામ્ય અને દક્ષિણ વિધાનસભાના સક્રિય કાર્યકરોએ મોટી સંખ્યામાં આ સંમેલનમાં ઉપસ્થિત રહી બ્રિજેશ મેરજા દ્વારા અપાયેલ સંગઠન અને સરકાર અંગેની માહિતીથી સુમાહિતગાર થયા હતા.






