ટંકારા : ટંકારા – લતીપર હાઇવે ઉપર ખાખરા ગામ નજીક આજી નદીના પુલ ઉપરથી શનિવારે સવારે એક મિનરલ વોટર ભરેલું છોટા હાથી નદીમાં ખાબક્યું હતું. છોટા હાથીના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જો કે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
ટંકારા – લતીપર હાઇવે ઉપર ખાખરા ગામ નજીક શનિવારે સવારે મિનરલ વોટર ભરીને નીકળેલા છોટા હાથી વાહનના ચાલકે સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા છોટાહાથી આજી નદીના પુલ પરથી 50 ફૂટની ઉંચાઈએથી નદીમાં ખાબક્યું હતું. જો કે વાહનચાલકને કોઈ ઈજા પહોંચી ન હતી. નસીબજોગે હાલમાં આજી નદીમાં પાણી ભરેલું હોય વાહન પાણીમાં ડુબ્યુ ન હતું જેથી વાહન ચાલક બોનેટ ઉપર બેસી ગયો હતો અને બોનેટ ઉપર બેસીને માવો બનાવતો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા.
નોંધનીય છે કે, લતીપર હાઇવે ઉપર આવેલ આ પુલ રાજાશાહી વખતનો છે અને એકદમ સાંકડો હોવાથી અવાર નવાર આ પુલ પરથી વાહનો નદીમાં ખાબકવાની ઘટના બનતી રહે છે. વરસાદના સમયે પુલ પરથી નદીનું પાણી વહેતું હોવાથી વાહન વ્યવહારને પણ અસર પહોંચે છે. ત્યારે અનેક વખત આ પુલ નવો બનાવવા માટે માગણી કરવામાં આવી છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે આવા અકસ્માતની ઘટનાઓ અવાર નવાર બનતી રહે છે.
