કોપર વાયર ટ્રકમાં ભરાવનાર શેઠ અને તેના માણસોએ ટ્રક ચાલકનું અપહરણ કર્યું, ટ્રક ચાલકે મોકો જોઈ ભાગી છૂટી જીવ બચાવ્યો
મોરબી : મોરબીમાં જામનગરના ટ્રક ચાલકનું અપહરણ કરી 24 ટન કોપર વાયરની લૂંટ ચલાવ્યાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ બનાવમાં કોપર વાયરનો જથ્થો ટ્રકમાં ભરાવનાર શેઠે જ તેના માણસો સાથે મળી ટ્રક ચાલકનું અપહરણ કરવા અને ટ્રક લૂંટવાનું કાવતરું રચ્યું હોય અપહરણકારોની ચુંગાલમાંથી છટકી ગયેલા ટ્રક ચાલકે સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં બનાવ અંગે ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ જામનગરથી મોરબી ખાતે કોલસો ખાલી કરવા આવેલ ફરિયાદી લાલજીભાઈ ધનજીભાઈ વડોલીયા ઉ.43 નામના ટ્રક ચાલકે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.7ના રોજ તેઓ કોલસો ખાલી કરી પોતાના શેઠને ફોન કરતા શેઠે મોરબી યોગી ટ્રાન્સપોર્ટ વાળા વિમલભાઈનો સંપર્ક કરી મોરબીથી જામનગરનું ભાડું હોય માલ ભરીને આવવા જણાવ્યું હતું. જેથી યોગી ટ્રાન્સપોર્ટ વાળા વિમલભાઈને ફોન કરતા તેઓએ ગૌરાંગભાઈ પટેલનો ફોન નંબર આપી તેઓ કહે ત્યાંથી માલ ભરવા સૂચના આપી હતી.
જે બાદ ફરિયાદી ટ્રક ચાલક લાલજીભાઈએ ગૌરાંગ પટેલનો સંપર્ક કરતા તેમને વાવડી રોડ ઉપર આવવા જણાવી ત્યાંથી અંદાજે 24 ટન કોપરનો વાયર ટ્રકમાં ભરાવી કંડલા બાયપાસ ઉપર ટ્રકનો વજન કાંટો કરાવવા સાથે માણસ મોકલ્યો હતો અને અહીંથી જ અપહરણ લૂંટની ઘટનાની શરૂઆત થઈ હતી.
બીજી તરફ ટ્રકના કોપર વાયર મોકલનાર ગૌરાંગ પટેલના માણસો એવા આરોપી ઇરફાન, અમિત સારલા, અમિત વાજા અને વસંત વાઘેલાએ કાવતરું રચી કંડલા બાયપાસ ઉપર ભક્તિનગર પાસેથી ટ્રક ચાલક લાલજીભાઈનું સ્વીફ્ટ કારમાં અપહરણ કર્યું હતું અને પાછળથી જીજે – 10 – એક્સ – 9864 નંબરનો કોપર વાયર ભરેલો ટ્રક કિંમત રૂપિયા 7 લાખ વાળો લઈ નાસી જઈ ટ્રક અને કોપર વાયરની લૂંટ કરી હતી.
દરમિયાન પાંચેય આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી તા.8ના રોજ બપોરના સમયે ટ્રક ચાલક લાલજીભાઈનું અપહરણ કર્યા બાદ માળીયા નજીક ઓનેસ્ટ હોટલ તેમજ પીપળીયા ચોકડી સહિતની અલગ અલગ જગ્યાએ ફેરવ્યા હતા અને રાત્રે કારમાં જ જમવાનું આપ્યું હતું. જેમાં રાત્રીના સમયે આરોપીઓ કારમાં સુઈ જતા મોકો જોઈ લાલજીભાઈ નાસી ગયા હતા અને ટ્રક માલિક કીર્તિભાઈ છોટાલાલ કુંડલિયાનો સંપર્ક કરી સમગ્ર ઘટનાની જાણ કરી ગઈકાલે મોરબી સીટી એ ડિવિઝનમાં ટ્રકની લૂંટ તેમજ અપહરણ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આ ચોંકાવનારા બનાવની તપાસ શરૂ કરી છે.