કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપી પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરાઈ
મોરબી : વકફ કાયદાના વિરોધની આડમાં પશ્ચિમ બંગાળમાં હિંસા થવા મામલે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. આ અંગે આજે મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સાથે જ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નારેબાજી કરીને પશ્ચિમ બંગાળમાં થઈ રહેલી હિંસાનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જણાવાયું છે કે, સંસદમાં વકફ કાયદો પસાર થયા બાદ તેના વિરોધની આડમાં સમગ્ર પશ્ચિમ બંગાળમાં હિંસા ફેલાવવામાં આવી રહી છે. હિંદુઓને પરેશાન કરવામાં આવી રહ્યા છે. મુર્શિદાબાદથી શરૂ થયેલી હિંસા સમગ્ર પશ્ચિમ બંગાળમાં ફેલાઈ રહી છે. સ્થાનિક સરકાર આવા તત્વોને છૂટ આપી રહી છે. તેથી આવા તત્વોને કડક સજા આપવી જોઈએ અને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવું જોઈએ. સાથે જ હિંસાની તપાસ NIA દ્વારા કરાવવી જોઈએ. બંગાળના કાયદો વ્યવસ્થાનું સંચાલન કેન્દ્રીય સુરક્ષા દળોને આપી દેવું જોઈએ.

