મોરબીના નાની વાવડી ગામે ગઈકાલે મિત્રો સાથે ગયા બાદ મિત્રોથી છુટા પડેલા યુવકનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યાનો બનાવ સામે આવ્યો હતો. ગઈકાલે સાંજે આ યુવાન લઘુશંકા માટેની જાહેર જગ્યા તરફ ગયા બાદ એ જ જગ્યાએથી મૃતદેહ મળ્યો હોય પોલીસે તપાસ શરૂ કરતા આ યુવકની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા હત્યા અંગે ગુન્હો નોંધી તપાસ શરુ કરી છે.
મોરબીના નાની વાવડી ગામે દીપકભાઈ ભાણજીભાઈ મકવાણા ઉ.વ.35નો મૃતદેહ મળી આવતા ગ્રામજનોએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે દોડી આવી મૃતદેહને પીએમ માટે મોકલી તપાસ શરૂ કરતા યુવાનની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. મોરબી તાલુકા પીઆઇ એસ.કે.ચારેલે જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજેના અરસામાં દીપકભાઈ મિત્રો પાસેથી છુટા પડીને લઘુશંકા કરવાની જાહેર જગ્યાએ ગયા હતા. ત્યારબાદ સવારે ત્યાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવમાં મૃતકની ટ્રેક્ટરની ટ્રોલીમાં જોડવાના લોખંડના પદાર્થ વડે હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હોવાનું જણાવી મૃતક અપરણિત હોવાનું પણ ઉમેર્યું હતું. હાલમાં તાલુકા પોલીસે હત્યા અંગે ગુન્હો નોંધી હત્યારાને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.
