મોરબી મહાનગરપાલિકા કચેરીમાં સર્વર વારંવાર ડાઉન થઈ જતા લોકોને ધરમના ધક્કા થઈ રહ્યા છે. અવારનવાર સર્વરના ધાંધિયાના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આજે પણ સર્વરના ધાંધિયાના કારણે મહાનગરપાલિકા કચેરીમાં વેરો ભરવા આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સર્વર ડાઉન હોવાથી કલાકો સુધી લાઈનમાં બેસી રહેવું પડે છે. સાથે જ સ્ટાફ દ્વારા પણ અરજદારો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરાતું હોવાની પણ ફરિયાદ ઉઠી છે.
વેરો ભરવા આવેલા હર્ષાબેન યાજ્ઞિકે જણાવ્યું કે, સ્ટાફ દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવતો નથી. પાંચ-પાંચ કલાક સુધી સર્વર બંધ રહે છે છતાં ઉપર જાણ કરાતી નથી. સિનિયર સિટીઝનની લાઈન પણ જુદી રાખવામાં આવતી નથી. મને ડાયાબિટીસ હોવા છતાં ખાધા વિનાની હું અહીંયા બેઠી છું. થશે થશે..ના જવાબો સ્ટાફ દ્વારા આપવામાં આવી રહ્યા છે. સિસ્ટમથી કામ થાય તો લોકોને પણ સરળ પડે.
સંજયભાઈ વોરાએ જણાવ્યું કે, સવારે 9-30 વાગ્યાથી કચેરીમાં બેઠા છીએ. સર્વર ડાઉન થાય છે અને ધીમે ધીમે વારો આવે છે. 2 વાગે એટલે રિશેષ પડી જાય છે. જો લાઈનમાંથી બહાર જઈએ તો વારો જતો રહે છે. એક તરફ ટેક્સ ન ભરીએ તો નોટિસો આપે છે અને ટેક્સ ભરવા જઈએ તો સર્વર ડાઉન હોય છે. કામ ધંધો બગાડીને અમારે શું લાઈનમાં જ રહેવાનું. ઉભા રહેવા દેતા નથી અને ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરે છે. થાય તે કરી લ્યો અને રજૂઆત કરવી હોય ત્યાં કરી લો એવું અહીંનો સ્ટાફ કહે છે. એટલે કાં ટેક્સ લેવાનું બંધ કરો અને જો ટેક્સ લેવો હોય તો યોગ્ય વ્યવસ્થા કરો.
મોરબી મહાનગરપાલિકાના હાઉસ ટેક્સ અધિકારી દલસુખભાઈ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, હકીકતમાં મનપામાં સર્વરની સમસ્યા સર્જાઈ છે. થોડા દિવસથી સર્વર ડાઉન રહે છે. આ અંગે અમે આજે મેઈલ પણ કર્યો છે. જે સિનિયર સિટીઝન હોય તેને વચ્ચેથી લઈને ટેક્સ ભરાવી દઈએ છીએ.
