મધ્યરાત્રીએ થાર ગાડીમાં પેલેસ્ટાઈન તેમજ અન્ય બે કારમાં લીલા કલરના ઝંડા લગાવી પુરપાટ ઝડપે કાર દોડાવી : વિડીયો વાયરલ થયા બાદ પોલીસની કાર્યવાહી
વાંકાનેર : જમ્મુ – કાશ્મીરમાં આતંકી હુમલામાં 27 પર્યટકોના મૃત્યુ બાદ દેશભરમાં આક્રોશ છવાયો છે તેવા સમયે જ વાંકાનેર શહેરમાં ગઈકાલે મધ્યરાત્રીના સમયે એક થાર ગાડીમાં પેલેસ્ટાઈનના ઝંડા લગાવી તેમજ અન્ય બે કારમાં લીલા રંગના ઝંડા ફરકાવી બેફામ સ્પીડે આ ત્રણેય કાર ચલાવી લોકો ઉપર જોખમ ઉભી કરી માહોલ ડહોળવા પ્રયાસ કરવામાં આવતા વાંકાનેર સીટી પોલીસે કાર નંબરના આધારે ત્રણ શખ્સો વિરુદ્ધ કાર નંબરના આધારે ગુન્હો દાખલ કર્યો છે.
તા.26ની મધ્યરાત્રીએ વાંકાનેર શહેરમાં વાંઢા લીમડા ચોકથી જીનપરા જકાતનાકા જવાના રસ્તે જીજે – 03 – એમએચ – 5510 નંબરની મહિન્દ્રા થાર, જીજે – 03 – પીડી – 9211 નંબરની મારુતિ સ્વીફ્ટ તેમજ એક નંબર પ્લેટ વગરની કારમાં પેલેસ્ટાઈન દેશ તેમજ લીલા રંગના ઝંડા લગાવી ત્રણેય કારના ચાલકો પૂરપાટ ઝડપે પસાર થતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આ વિડીયોના આધારે કાર ચાલકોની ઓળખ કરી વાંકાનેર સીટી પોલીસે કાર નંબરના આધારે ત્રણેય કાર ચાલકો વિરુદ્ધ બીએનએસ કાયદાની કલમ 281 તેમજ 125 મુજબ ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.