મોરબી : મોરબી ક્રાઇમબ્રાન્ચની ટીમે વાંકાનેર બાઉન્ડ્રી નજીક વોચ ગોઠવી રાજસ્થાનથી મગફળીના ભૂંસાના કોથળાની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી લઈ રાજસ્થાનના વતની ટ્રક ચાલકની ધરપકડ કરી છે. પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂની 14,040 બોટલ કબ્જે કરી એક કરોડથી વધુનો મુદ્દામાલ હસ્તગત કરી વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ તરફથી મગફળીના ભૂંસાની આડમાં વિદેશી દારૂનો જથ્થો મોરબી તરફ આવી રહ્યો હોવાની બાતમીને આધારે મોરબી ક્રાઇમબ્રાન્ચની ટીમે વોચ ગોઠવી હતી જેમાં વાંકાનેર બાઉન્ડ્રી નજીક આરજે – 14 – જીજી – 5205 નંબરનો ટ્રક પસાર થતા પોલીસે ટ્રક ચાલક આરોપી સતારામ કુશારામ ખોથ રહે.જાયડુ ગામ, બાડમેર રાજસ્થાન વાળાને અટકાવી ટ્રકની તલાશી લેતા ટ્રકમાંથી મગફળીના ભૂંસાની આડમાં છુપાવેલો અલગ અલગ બ્રાન્ડનો 14,040 બોટલ જથ્થો મળી આવતા રૂ.67,69,920ની કિંમતનો દારૂ તેમજ ટ્રક સહિતનો મુદ્દામાલ મળી કુલ રૂપિયા 1,02,77,920નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીની પૂછપરછમાં વિદેશી દારૂનો આ જથ્થો આરોપી કિશોર સારણ રહે.ખડીર ગામ, બાડમેર, રાજસ્થાન વાળાએ મોકલ્યો હોવાનું કબુલતા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ નામ જોગ તેમજ તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ફરિયાદ નોંધાવી હતી.



