મોરબીની એલઇ કૉલેજ ખાતે ઘોર બેદરકારીને લઈને ABVP દ્વારા રજુઆત કરવામાં આવી હતી. પરંતુ યોગ્ય જવાબ ન મળતા ABVP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
મોરબી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની યાદીમાં જણાવ્યા અનુસાર એલઇ કૉલેજ હોસ્ટેલના વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોને લઈને તારીખ ૦૧/૦૪/૨૫ એ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. જેના નિવારણ અંગેની માહિતી મેળવવા માટે આજે વિધાર્થી પરિષદના કાર્યકર્તાઓ સવારે ૧૧:૩૦ કલાકે એલઇ કૉલેજ ખાતે પ્રિન્સીપાલને મળવા માટે ગયેલા હતા. ત્યારે કોલેજના પ્રિન્સીપાલ દ્વારા ગેરવ્યાજબી જવાબ આપીને મળવાની ના પાડવામાં આવી હતી.
બપોરે ૨:૩૦ કલાક સુધી વિદ્યાર્થીઓ દ્વારા શાંતિ પૂર્વક રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન થતાં વિધાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કૉલેજના પ્રશાસન દ્વારા વિરોધ પ્રદર્શન અટકાવવા પોલીસને આગળ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. ત્યાર બાદ પ્રિન્સીપાલ સમક્ષ રજૂઆત કરવામાં આવી ત્યારે વિધાર્થીઓના પ્રશ્નોનું હોસ્ટેલની અંદર નિવારણ થયેલું નથી તેમજ કૉલેજ કેમ્પસની અંદર પણ સ્વછતા તેમજ પાણી નો પ્રશ્ન ધ્યાનમાં આવતા પ્રિન્સીપાલ સાહેબને ધ્યાન દોરવામાં આવ્યું.પ્રિન્સીપાલ દ્વારા રજૂઆત દરમિયાન કહેવામાં આવ્યું કે ” કોઈ પણ રીતે મારાથી આ પ્રશ્નોનું નિવારણ થઈ શકશે નહીં.” ABVP દ્વારા આ ગંભીર પ્રશ્નોનું સત્વરે નિરાકરણ કરવાની રજૂઆત કરાઈ છે તેમજ કૉલેજ પ્રશાસનએ વધુ ૧૫ દિવસમાં હોસ્ટેલ તેમજ કૉલેજ કેમ્પસને સુવ્યવસ્થિત કરવાની બાહેંધરી આપી છે. તેમ ABVPની યાદીમાં જણાવાયું છે.
