મોરબી : મૂળ ટંકારા-પડધરીના ખાખરા-બેલાના વતની અને હાલ મોરબી રહેતા યુવાનને લશ્કરમાં જોડાઈને મા-ભોમની રક્ષા કાજે દેશ સેવા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. 18 વર્ષની દેશ સેવા બાદ સેવા નિવૃત થતા તેઓ વતન મોરબી પરત ફરતા આ નિવૃત્ત આર્મીમેનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
મૂળ ટંકારા-પડધરીના ખાખરા-બેલાના વતની અને હાલ મોરબીના સામાકાંઠે આવેલી નીલકંઠ સોસાયટીમાં રહેતા પૃથ્વીરાજસિંહ જયુંભા જાડેજાને નાનપણથી આર્મીમાં જોડાઈને દેશ સેવા કરવાની ભારે તમન્ના હતી. આથી તેઓ યુવા વયે પહોંચતા કઠિન મહેનત કરીને માં ભોમની રક્ષા કાજે લશ્કરી દળમાં જોડાયા હતા. ભારતીય સેનામાં તેઓએ જોડાયને તેમની 18 વર્ષની ફરજ દરમિયાન દેશની સરહદ સહિત જુદીજુદી જગ્યાએ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવીને દેશની સેવા કરી હતી. જેમાં તેઓએ ઉત્તરપ્રદેશના લખનઉ, આસામ, જમ્મુ, દિલ્હી ખાતે રક્ષા મંત્રાલય અને છેલ્લે ગુજરાતમાં ધ્રાગંધ્રા ખાતે આવેલી મિલિટરીની કચેરીએ ભારતીય સેનાના એક આદર્શ સેનિક તરીકે ફરજ બજાવીને સેવા નિવૃત થયા હતા. મિલિટરી મૅન પૃથ્વીરાજસિંહે 18 વર્ષ સુધી શ્રેષ્ઠ દેશ સેવક તરીકે ફરજ બજાવીને વતન મોરબી પરત ફરતા તેમના પરિવારજનો, સગા-સંબંધીઓ અને મિત્રોમાં બેહદ ખુશી જોવા મળી હતી. આ બધા લોકોએ ઢોલ નગારા અને ફુલહાર તરીકે તેમનું ભવ્ય સ્વાગત કરીને તેમની દેશ સેવાને બિરદાવી હતી.







