મોરબી : તારીખ 5-5-2025ના રોજ સાર્થક વિદ્યામંદિર મોરબી ખાતે શિક્ષક સન્માન સમારોહ 2024-25નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નર્સરીથી ધોરણ 12 ના શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ દરમ્યાન તમામ શિક્ષકોનું પ્રમાણપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના તમામ શિક્ષકોને હેલ્થ અને એક્સિડન્ટ વીમા પોલિસી કવર, શૈક્ષણિક કીટ, જાણતા રાજા નાટકની ટિકિટ આપવામાં આવી હતી. આ વર્ષે શાળામાં નવા જોડાતા આચાર્યોને નિમણૂક સન્માનપત્ર, શાળા છોડતા આચાર્યોને વિદાય સન્માન સ્મૃતિચિન્હ આપવામાં આવ્યા હતા.
ત્યારબાદ વિભાગ મુજબ નંબર પણ આપવામાં આવેલો હતો. જેમાં વર્ષ દરમિયાન વિવિધ બાબતોને ધ્યાનમાં લઈને શૈક્ષણિક આચાર્યોને 1 થી 15 ક્રમ ફાળવવામાં આવ્યા હતા. આ દરમ્યાન કુલ 31 શિક્ષકોને શિલ્ડ, પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનારને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત મેનેજમેન્ટ વિભાગના 24 સભ્યોને અલગ-અલગ કાર્ય અને કેટેગરી મુજબ શિલ્ડ, પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. જેમાં શિક્ષકોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો. આ વર્ષના અંતિમ દિવસે તમામ શિક્ષકોએ સાથે મળીને શાળાએ ભોજન લીધું હતું.
આ કાર્યક્રમમાં મોરબી જીલ્લા SP રાહુલ ત્રિપાઠી, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ બેન વ્યાસ, ગાયત્રી પરિવારના સભ્યો, આર્યસમાજના સભ્યો, માતૃભૂમિ વંદના ટ્રસ્ટના સભ્યો, પ્રસાદભાઈ ગોરીયા, મિલનભાઈ પૈડા, નર્મદા બાલઘરમાંથી મહેતા સાહેબ તેમજ મહાનુભાવો હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન માનસેતા નીરવભાઈ અને દિશાબેને કર્યું હતું. શાળાના બન્ને પ્રિન્સિપાલ, પાંચ HOD અને મેનેજમેન્ટના સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ મહેનત કરી હતી







