મોરબી : વરસાદ અને વાવાઝોડાની આગાહીના પગલે મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેરમાં રહેલા જોખમી હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી કરવામાં આવી હતી. મોરબી મહાનગરપાલિકા દ્વારા ગાંધી ચોકમાં 4-5 જેટલા જોખમી હોર્ડિંગો દુર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ નટરાજ ફાટક પાસે રેલવે લાઈન પાસે રહેલા જોખમી હોર્ડિંગ દુર કરવામાં આવ્યા હતા.
મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેએ આ અંગે જણાવ્યું હતું કે, દર બુધવારે મહાનગરપાલિકા દ્વારા જાહેર રસ્તાઓ પર રહેલા બિનઅધિકૃત બાંધકામ સામે કાર્યવાહી કરાતી હોય છે. પરંતુ આજે અમારી ટીમ દ્વારા બિન અધિકૃત હોર્ડિંગ્સ અને બેનર લાગેલા છે તેની વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે. ચોમાસું નજીક છે ત્યારે કોર્પોરેશનની મંજૂરી વગરના જોખમી હોર્ડિંગ્સ અને બેનર હોય તેને દૂર કરવામાં આવી રહ્યા છે જેથી જાનહાનિને અટકાવી શકાય. મોરબી મહાનગરપાલિકા દ્વારા 130 જેટલા હોર્ડિંગ્સને જ મંજૂરી આપવામાં આવેલી છે. બાકીના હોર્ડિંગ્સ મંજૂરી વિના લગાવેલા છે. જો પવન કે વરસાદ આવે તો આવા હોર્ડિંગ્સના કારણે જાહેર જનતાને નુકસાન થઈ શકે છે.

