મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર રહેતા પેકેજિંગના ધંધાર્થી આધેડને દીકરીના લગ્ન માટે નાણાકીય જરૂરત પડયા બાદ મોરબીના શખ્સ મારફતે રાજકોટના વ્યાજખોર પાસેથી કટકે કટકે 8 લાખ વ્યાજે લીધા બાદ એક જ વર્ષમાં 8 લાખનું વ્યાજનું વ્યાજ વસૂલવા રૂ.1.35 કરોડ દેવા પડશે તેમ કહી અપહરણ કરી પુત્રને મારી નાખવાની ધમકી આપી રવાપરની કરોડોની કિંમતી ખેતીની જમીનનું સોદાખત લખાવી લેતા ચકચારી બનાવના એસઓજી પોલીસને અરજી કર્યા બાદ ગુન્હો બન્ને વ્યાજખોરો વિરુદ્ધ દાખલ થયો છે.
આતંકી વ્યાજખોરીના આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ઉપર બોની પાર્કમાં રહેતા સંજયભાઈ ધરમશીભાઈ અઘારા ઉ.52 નામના પેકેજીંગના ધંધાર્થીએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી રમેશ દેવા બોરીચા રહે.રવાપર રોડ, મોરબી તેમજ આરોપી મોહિત રામ આગરિયા રહે.રાજકોટ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમની પુત્રીના લગ્ન સમય ખર્ચને પહોંચી વળવા પાડોશી પાસેથી 10 લાખ ઉછીના લીધા હોય જે પરત આપવા માટે આરોપી રમેશ દેવા બોરીચા મારફતે રાજકોટના વ્યાજખોર મોહિત પાસેથી પ્રથમ 5 લાખ વ્યાજે લીધા હતા. આ સમયે વ્યાજખોર મોહિત અને રમેશે વ્યાજ કેટલું થશે તે કહેવાને બદલે પછી હિસાબ કરીશું તેમ કહી જમીન હડપ કરવા કાવતરું કર્યું હતું. બાદમાં રૂપિયા પરત નહિ આપ્યા હોય વધુ એક વખત વ્યાજનો હિસાબ કરવા રાજકોટ બોલાવી ફરી ત્રણ લાખ ફરિયાદી સંજયભાઈના બેન્ક એકાઉન્ટમા વ્યાજખોરે ટ્રાન્સફર કર્યા હતા.
દરમિયાન બન્ને વ્યાજખોરોએ મિલાપીપણુ કરી કુલ રૂપિયા આઠ લાખની બદલે રૂ.1.35 કરોડ વસુલવાના થાય છે તેમ કહી સંજયભાઈનું મોરબીથી બળજબરીથી કારમાં અપહરણ કરી રાજકોટ લાવી આધારકાર્ડ સહિતના પુરાવાઓ લઈ બાદમાં સંજયભાઈની ભાયુભાગની રવાપર ખાતે આવેલી જમીનનો હિસ્સો પડાવી લેવા બળજબરીથી સોદાખત નોટરી કરાવી લઈ દિવાની દાવો પણ કોર્ટમાં દાખલ કરી દીધો હતો. સાથે જ જો પૈસા નહિ આપે અને જમીન નહિ આપે તો સંજયભાઈના પુત્રને મારી નાખવા ધમકી આપતા સમગ્ર બનાવ અંગે સંજયભાઈએ એસઓજી પોલીસને અરજી કરી હતી. જે બાદ ગઈકાલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં બન્ને વ્યાજખોરો વિરુદ્ધ નાણાં ધીરધારની કલમો તેમજ બીએનએસ કાયદા મુજબ ફરિયાદ નોંધાઇ છે.