કામ નબળું દેખાતા સેક્રેટરી અને ચિફ એન્જીનીયરને સૂચના આપી, હજુ કામ પૂર્ણ થયા બાદ ચેક કરી બધું બરાબર હશે તો જ બિલ પાસ કરાશે
મોરબી : મોરબીની મચ્છુ-2 ડેમની સાથોસાથ કેનાલ રીપેરીંગનું પણ કામ હાથ ધરવામાં આવી રહ્યું છે. પણ આ કામ નબળું અને ધીમીગતિએ થઈ રહ્યું હોવાની ફરિયાદ ઉઠ્યા બાદ ધારાસભ્ય કાંતિ અમૃતિયા આ કામને ઝડપથી પૂર્ણ કરવા મેદાને આવ્યું હતું. તેમણે મચ્છુ કેનલના રીપેરીંગનું નિરીક્ષણ કરી અધિકારીઓને કડક સૂચના આપ્યા બાદ મચ્છુ કેનાલનું કામ તા.20 સુધીમાં પૂર્ણ થઈ જશે અને તા.28 સુધીમાં પાણી આવી જશે તેવું જાહેર કર્યું છે.
ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ જણાવ્યું હતું કે, તેઓએ આજથી દશેક દિવસ પહેલા અધિકારીને બોલાવ્યા હતા. અત્યારે આપણી ત્રણ કેનાલ એક તો મોરબી, માળિયા અને સાદુરકા કેનાલનું કામ ચાલી રહ્યું છે. પહેલી વાર એવું બન્યું છે કે આપણે અઢી મહિના કેનાલ બંધ રાખી છે. આ કેનાલ ખેડૂતને પૂછીને બંધ રાખી છે. ખેડૂતોએ રજૂઆત કરી એના આધારે કાલે હું કેનાલનું કામ ચેક કરવા ગયો હતો.
ખેડૂત સાચા હતા, મે જોયું કેનાલનું જે કામ છે એ કામ ધીમી ગતિ ચાલે છે. કામ ઝડપી અને સારૂ કરાવવા માટે કાલે કેનાલબી મુલાકાત લઈને સેક્રેટરી સાથે વાત કરી સાથે વાત કરી અને ચીફ એન્જીનીયરને સૂચના આપી. ડિપાર્ટમેન્ટ દોડતું થઈ ગયુ છે. ત્રણેય કેનાલનું લગભગ તા. 20 સુધીમાં કામ પૂર્ણ થઈ જશે. કામ નબળું થશે તો પૈસા અટકાવી દેવામાં આવશે. કોઈપણ કામ નબળું થાય તો પ્રજાને અપીલ છે કે અમારું ધ્યાન દોરે. પ્રજાના પૈસાનો પૂરેપૂરો ઉપયોગ થાયએ માટે રાજ્યના મુખ્યમંત્રીએ મિટિંગમાં કીધું હતું કે ધારાસભ્યની જવાબદારી છે કે ક્યાંય કામ નબળુ ન થવું જોઈએ.
કેનલનું કામ પૂરું થયા બાદ ત્રણેય કેનાલમાં ચેકિંગ કરશે અને પછી જ બિલ પાસ કરવામાં આવશે. આ કેનાલમાં ઢાંકીથી દોઢસો કિલોમીટર દૂરથી પાણી આવે છે. તા.20એ કામ પૂર્ણ થયા બાદ આવતા આઠ દિવસ એટલે કે 28 તારીખ આસપાસ પાણી મળે તેવી શક્યતા છે.

