મોરબી જિલ્લા પ્રભારી સચિવ મનિષા ચંદ્રાએ મોરબી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે દુશ્મન દેશના હુમલા કે યુદ્ધ સમયે સિવિલ ડિફેન્સની ૧૨ સેવાઓની સક્રિયતા અને સાધનોની સુનિશ્ચિતતા તથા જિલ્લામાં ચાલી રહેલ વિવિધ અભિયાન, વિકાસકામો અને યોજનાઓના અમલીકરણ અને સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી.
બેઠક અન્વયે પ્રભારી સચિવશ્રી દ્વારા સુજલામ્ સુફલામ્ યોજના હેઠળ કેચ ધ રૈન સહિત થયેલા કામો, પીએમ કિસાન યોજના અન્વયે ફાર્મર રજીસ્ટ્રી, પાણી પુરવઠા વિભાગ હેઠળના પાણીના પ્રશ્નો, મચ્છુ-૨ ડેમના ગેટના રીપેરીંગની કામગીરી, NFSA યોજના હેઠળ ઈ-કેવાયસીની કામગીરી, કમોસમી વરસાદના પગલે થયેલ નુકસાન, પ્રિ-મોન્સુન કામગીરી અન્વયે વિવિધ તૈયારીઓ અને ગટર, પાણીના કુદરતી નિકાલ તેમજ રોડ સાઈડની સફાઈ વગેરેની સમીક્ષા કરવામાં આવી હતી.
વધુમાં મોકડ્રીલ તેમજ સિવિલ ડિફેન્સ અંતર્ગતની કામગીરી, મોકડ્રીલ દરમિયાન રિસ્પોન્સ ટાઈમ, હોટલાઈન તથા સેટેલાઈટ ફોન જેવા કોમ્યુનિકેશનના સાધનોની સક્રિયતા તેમજ સિવિલ ડિફેન્સની વિવિધ ૧૨ સેવાઓના નોડલની નિમણૂંક સહિતના મુદ્દાઓ અંગે પ્રભારી સચિવએ ચર્ચા વિચારણા કરી જરૂરી સૂચનાઓ આપી હતી. ઉપરાંત તેમણે અધિકારીઓને કોઈપણ કામગીરીમાં ગુણવત્તાને વધુ મહત્વ આપી પરિણામલક્ષી કામગીરી કરવા તાકીદ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, મોરબી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી, પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરઓ તથા વિવિધ વિભાગના વડાઓ સહિત જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

