પાનેલી તળાવનો પ્રોજેકટ મંજુર, ત્યાંથી સામાકાંઠે પાણી વિતરણ કરાશે, એટલે સામાકાંઠાનો પાણી પ્રશ્ન પણ દૂર થશે
મોરબી : મોરબીમાં હાલ પાણી ધીમું આવવું અને અનિયમિત આવવું તે સહિતની સમસ્યાઓ વચ્ચે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું છે કે તા.20 સુધીમાં મચ્છુ-2 ડેમના દરવાજાનું કામ પૂર્ણ થઈ જશે. ત્યાંથી પાણી પ્રશ્નનું મહદ અંશે નિરાકરણ આવશે.
તેઓએ જણાવ્યું કે ગય વર્ષમાં આપણે મચ્છું-2 ડેમના પાંચ દરવાજા રિપેર કર્યા હતા. લગભગ અઢીથી પોણા ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. ત્યારબાદ હવે રૂ.15 કરોડના ખર્ચે 33 દરવાજા રીપેર કરવામાં આવી રહ્યા છે. આ કામ તા. 20 સુધીમાં પૂરું થઈ જશે. હાલ મોટરો દ્વારા પાણી અપાઈ છે એટલે પાણીમાં પ્રેસર ન હોવું, મોટર બળી જવી સહિતના પ્રશ્નને કારણે પાણી વિતરણના પ્રશ્નો પણ ઉભા થયા છે. પણ આ પ્રશ્ન તા.20 સુધીમાં હલ થઈ જશે.
વધુમાં તેઓએ જણાવ્યું કે પાનેલી તળાવનો પ્રોજેકટ મંજુર થયો છે. આ તળાવમાંથી સામાકાંઠાને પાણી વિતરણ કરવામાં આવશે. જે પાણી વધશે તે મોરબી સિટીમાં પણ વિતરણ કરવામાં આવશે. આ માટે આગળની કાર્યવાહી હાલ ચાલુ કરી દેવામાં આવી છે.