મોરબી : હાલ ભારત પાક વચ્ચે તણાવ જેવી સ્થિતિમાં પ્રશાસન લોકોને કોઈપણ પ્રકારની હાનિ ન પહોંચે તે માટે તમામ તકેદારીના પગલાં ભરી રહ્યું છે. ત્યારે મોરબી જિલ્લો દેશની સરહદ નજીક આવેલો હોય સંભવિત યુદ્ધ થાય તો તેની પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્રની સાથે સામાજિક આગેવાનો અને પ્રબુદ્ધ નાગરિકો પણ લોકોને મદદરૂપ થઇ રહ્યા છે. આથી સંભવિત યુદ્ધની પરિસ્થિતિને પહોંચી વળવા મોરબીના મહેન્દ્રનગર ગામે આજે યોજાયેલા રક્તદાન કેમ્પમાં લોકોએ સવ્યભું રક્તદાન કરવા ભારે ઉત્સાહ દાખવ્યો હતો.
મોરબીના મહેન્દ્રનગર ગામે દેશમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ તો ધાયલોને લોહીની જરૂરિયાત પૂરી પાડવા ગ્રામજનો દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે ગામના પ્રબુદ્ધ નાગરિકોએ જણાવ્યું હતું કે, હાલ ભારત માત્ર આંતકવાદ વિરુદ્ધ લડાઈ લડી રહ્યું છે. તેનાથી વિપરીત જઈને પાકિસ્તાન નાપાક હિમાકાત કરી રહ્યું છે અને પાક ભારત ઉપર હુમલનો પ્રયાસ કરી રહ્યું છે.ત્યારે કદાચ યુદ્ધ થાય તો તેની પરિસ્થિતિ પહોંચી વળવા આગોતરા આયોજનના ભાગરૂપે રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરવા ઉમટી પડ્યા હતા અને સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું.

