મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા હવે શહેરના ગીચ વિસ્તારમાં રહેલી જોખમી ઇમારતોનું ડીમોલેશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અનેક નોટિસો આપવા છતાં આ જોખમી ઇમારતો નહિ હટતા લોકો માટે જોખમી હોવાથી મનપા દ્વારા આજે આ જર્જરિત ઇમારતો સામે ડીમોલેશનનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું હતું જેમાં મોરબીના ખાખરેચી દરવાજા પાસે આવેલ જર્જરિત 5 મકાન અને એક વિસામાને જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા. તેમજ હજુ પણ અનેક જર્જરિત ઇમારતોને તોડી પડવાની કાર્યવાહી થાય તેવા નિર્દેશો મનપા દ્વારા સાંપડી રહ્યા છે.
મોરબીના ગ્રીચ વિસ્તારમાં વર્ષોથી જોખમી રહેલી ઇમારતોને હાલ તોડી પડવાની કાર્યવાહી ચાલી રહી છે અને મહાનગરપાલિકા દ્વારા પાંચ જોખમી મકાનો અને એક વિસામો તોડી પાડવામાં આવ્યો છે. જર્જરિત ઇમારતોના ડીમોલેશન વિશે મનપાના મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે વરસાદની ઋતુ નજીક આવી રહી હોય ત્યારે શહેરના આવેલી જર્જરીત ઇમારતો જોખમી બની જતી હોય છે અને આસપાસના લોકો ઉપર ખતરો તોળાતો હોય છે. તેથી આવી જર્જરિત ઇમારતો સામે ડીમોલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે મકાનોમાં લોકો વસવાટ કરતા નથી. તેને તત્કાલિન અસરથી દૂર કરી રહ્યા છીએ. આવા 4થી 5 બાંધકામો છે જે અમારા ધ્યાને આવ્યા છે. જે ઇમારતમાં લોકો વસવાટ કરે છે તેને અમે નોટિસ આપી રહ્યા છીએ. અને ખાલી કરવાની સૂચના આપીએ છીએ. આવા લોકોને શિફ્ટિંગ કરવા અપીલ છે. આજે જેનું ડીમોલેશન કરવામાં આવ્યું છે તે ઇમારત માલિકીની નથી. તેમના માટે આવાસની વ્યવસ્થા કરવામાં આવી નથી. ચોમાસામાં કોઈ જાનહાની ન થાય તે માટે લોકોના હિતમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. આવા અનેક જર્જરિત મકાનોને નોટીસ આપવાના છે. જો આ અંગે યોગ્ય જવાબ નહિ મળે તો વીજ કનેક્શન, પાણી કનેક્શન કાપી નાખવાની પણ મહાપાલિકાને સતા છે. ખાખરેચી દરવાજા હેરિટેજ જગ્યા છે. અહીં સારી જગ્યા ડેવલોપમેન્ટ થાય તેવા પગલાં લેવાશે.

