મોરબી : મોરબી મહાપાલિકા દ્વારા આજે ગ્રીન ચોકથી દરબારગઢ અને સુપર ટોકીઝથી નવલખી રોડ સુધી ભૂગર્ભ ગટરના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ વેળાએ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા અને આ વિસ્તારના પૂર્વ કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા.
મોરબી મહાપાલિકાના પ્રથમ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે. આની ટેન્ડર સહિતની પ્રક્રિયા મોરબી મહાપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ કરવામાં આવી છે. ગ્રીન ચોકથી લઈ દરબારગઢ સુધીની ભૂગર્ભ ગટરનું કામ રૂ.27 લાખના ખર્ચે થશે. સુપર ટોકીઝથી લઈ સ્ટેશન સુધીની ભૂગર્ભ ગટરનું કામ રૂ.10 લાખના ખર્ચે થશે. બન્ને કામો ખૂબ અગત્યના છે પાણી ભરવાના પ્રશ્નો આ બન્ને વિસ્તારોમાં રહેતા હોય છે. સુપર ટોકીઝ વિસ્તારમાં પણ ગટરના પ્રશ્નો થયેલા છે.
વધુમાં તેઓએ ઉમેર્યું કે ઓપન ડ્રેનેજ સંપૂર્ણ પણે ઢાંકવાનો મહાપાલિકા દ્વારા પ્રયાસ કરાશે ગટરના પાણી ભૂગર્ભ ગટર મારફત યોગ્ય જગ્યાએ પહોચે અને ટ્રીટમેન્ટ થાય તે જરૂરી છે. જેથી જ્યાં ખુલ્લી ગટર છે તેને ક્રમશઃ અન્ડરગ્રાઉન્ડ કરવામાં આવશે. આ બન્ને કામોમાં હાઉસ કનેક્શન અને ચેમ્બર બનાવવામાં આવશે. આ કામગીરીમાં થોડો ટાઈમ લાગશે.
